કચ્છી સહિયારું અભિયાન

દેવાદાર શ્રીમંતોએ આડેધડ રોકાણ કરીને કવીઓ સમાજની શાખ ડુબાડી

મુખ્ય ડિફોલ્ટર 100 પાર્ટીઓમાંથી હજી ચોથા ભાગનાનો જ સંપર્ક થયો છે

મણિલાલ ગાલા અને કનૈયાલાલ જોશી તરફથી
મુંબઈ, તા. 20 : મુંબઈના કચ્છી વીસા ઓશવાલ જૈન સમાજના કેટલાક નાણાં દલાલો અને શ્રીમંત પાર્ટીઓ પાસે સમાજના જ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના ફસાયેલા કરોડો રૂપિયા પાછા મેળવી આપવા `કચ્છી સહિયારું અભિયાન'ની ટીમ ભગીરથ પ્રયાસ કરી રહી છે અને લગભગ બે મહિનાની સતત મહેનત બાદ તેનું સકારાત્મક પરિણામ આવી રહ્યાનું દેખાય છે. નાના લેણદારોને અત્યાર સુધી લગભગ સાડા ત્રણ કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે.
 અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નવીનભાઈ ચાંપસી શાહ-નાગડા (નરેડી)એ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે ગણેશ પાપડ કંપની તરફથી તેના 70 લેણદારોને લગભગ દોઢ કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. આ રકમ કંપનીની એક પ્રૉપર્ટી વેચીને મેળવવામાં આવી હતી અને જે તેની કુલ ડિફોલ્ટ રકમના 20 ટકા જેટલી થાય છે. વધુ 20 ટકા રકમ આગામી બે-ત્રણ મહિનામાં ચૂકવવાના પ્રયાસો ચાલુ છે અને કંપનીની બીજી બે પ્રૉપર્ટી વેચવાની વાતચીત ચાલુ છે.
બોરીવલીના એક ડિફોલ્ટર નાણાં દલાલે તાજેતરમાં જ તેના લગભગ 188 લેણદારોને દરેકને એક એક લાખ રૂપિયાની રકમ ચૂકવી હતી અને તેની પાસેથી વધુ રકમ મેળવવાના પ્રાયાસો ચાલુ છે.
નવીનભાઈએ કહ્યું હતું કે અભિયાનના વિનમ્ર પ્રયાસ છે કે પાંચથી 25 લાખ રૂપિયા સુધીના લેણદારોને પ્રથમ તેમની બાકી રકમ મળી જાય. જોકે એક કરોડથી માંડીને 50 કરોડ રૂપિયાના લેણદારોને પણ તેમની રકમ મળવી જોઈએ. નાના-મધ્યમ વર્ગના લોકોને રાહત મળ્યા પછી મોટા લેણદારો માટે અમારું અભિયાન ચાલુ રહેશે. એમાં અમારી ટીમ કોઈ પાછીપાની કરવાની નથી, પડકાર ઘણા છે. દર બુધવારે સાયન ખાતેની અમારી અૉફિસમાં પાંચથી સાત કલાક બેઠક કરીએ છીએ. બધો ડેટા જમા કરીએ છીએ. પરંતુ કામ મોટું છે. મુખ્ય ડિફોલ્ટર નાણાં દલાલ આઠથી દશ છે તેમ જ મેજર શ્રીમંત ડિફોલ્ટર પાર્ટીઓ લગભગ 100 જેટલી છે. અમે એમાંથી હજી લગભગ 25 ટકાનો સંપર્ક કરી શક્યા છીએ. વધુના સંપર્કનો પ્રયાસ ચાલુ છે, એમ શાહે જણાવ્યું હતું.
વૉટ્સઍપ ગ્રુપથી સંપર્ક
વિવિધ ડિફોલ્ટર નાણાં દલાલ તેમ જ પાર્ટીઓનાં નામે વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યાં છે. જેમાં લેણદારોને સાંકળી લેવામાં આવ્યા છે અને તેમને સમયે સમયે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. અમને અત્યાર સુધી 9000 અરજીઓ મળી ચૂકી છે, જેમનાં  નાણાં ફસાયાં  છે.
નવીનભાઈએ કહ્યું હતું કે અમને આશ્ચર્ય સાથે વ્યથા એ વાતની થાય છે કે સમાજના નાના-મધ્યમ વર્ગનાં નાણાં લઈને આખર આ શ્રીમંતોએ એનું શું ક્યું ? ક્યાં વેડફ્યાં ?
કરોડોમાંથી અબજો રૂપિયા કમાવવાની લાલચમાં તેમણે પ્રૉપર્ટીઓમાં વગર વિચાર્યું રોકાણ કર્યું છે કે શૅરબજારમાં નાણાં ગુમાવ્યા હશે. નાણાં દલાલોએ લેણદારોને એક સવા ટકો વ્યાજ  આપીને પાર્ટીઓ પાસેથી બે અઢી ટકાનું વ્યાજ પણ વસૂલ્યું છે. ખોટી નનામી સહીઓ બનાવી છે. તેમને તેમનાં સમાજનાં ભાઈઓ, વિધવાઓ, વરિષ્ઠ નાગરિકો, નોકરિયાતો પ્રત્યે દયા ન આવી ? જૈનીઝમનાં સિદ્ધાંતોને નેવે મૂકયા, બેફામ ખર્ચ કર્યા, વિદેશ યાત્રાઓ કરી, મોંઘી કારો ખરીદી, કવીઓ સમાજની શાખને ધૂળધાણી કરી નાખી. જોકે, હવે તેમના પર પસ્તાવ પડતાં ભાન થઈ રહ્યું છે. ભૂલ સમજાઈ છે અને પૈસા પરત કરવાનો પ્રારંભ કર્યો છે, એ અમારી મોટી સફળતા છે એમ નવીનભાઈએ જણાવ્યું હતું.
સહિયારું અભિયાનની ટીમમાં ચંદ્રકાંતભાઈ ગોગરી, દીપકભાઈ ભેદા, બિપિનભાઈ ગાલા, શાંતિભાઈ મારુ, વસનજીભાઈ પાલણ મારુ, ઍડવોકેટ અનિલ ગાલા, સીએ નવીન ચાંપશી શાહ, વલ્લભજીભાઈ ભાણજી ગડા, ધીરજ છેડા (એકલવીર), કિશોરભાઈ સાવલા, રોહિત ગડા, ભૂપેન્દ્ર ગોસર, સીએની ટીમમાં ભરત નાગડા, મુલેશ સાવલા, જીજ્ઞેન દેઢિયા, અનિલ ગાલા, પીયૂષ શાહ, મહેન્દ્રભાઈ સંઘોઈ, ભરત ગાલા વગેરેનો સમાવેશ થાય છે.
ડિફોલ્ટરોની પ્રૉપર્ટીઓ અંગે નક્કર માહિતી આપવા સમાજને અપીલ
નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે ડિફોલ્ટરોની વિવિધ પ્રૉપર્ટીઓ, જમીનો, મિલકતો, બૅન્કોની ફિકસ્ડ ડિપૉઝિટો વગેરેનો તાગ મેળવવા અમે સતત પ્રયાસ કરીએ છીએ. અમે સમાજનાં ભાઈ-બહેનોને અપીલ કરીએ છીએ કે તમને આ સંબંધમાં પુરાવા સહિત  નક્કર માહિતી હોય તો અમને જણાવો. જેથી કરીને એનો અંદાજ લગાવી શકાય કે લેણદારોનાં ફસાયેલાં નાણાંમાંથી કેટલા ટકા પરત મેળવી શકાશે ? કચ્છમાં જમીનો - ખેતર, વાડી, હોય કે મુંબઈમાં ક્યાં પ્રૉપર્ટી હોય તે અંગે અમને જણાવો.
સમાજને આ કટોકટીમાંથી બહાર લાવીને તેને ફરી સમૃદ્ધિ તરફ કેમ લઈ જઈ શકાય એના સતત પ્રયાસો રહેશે અને એ બાદ જ અમારું `અભિયાન' વિરામ પામશે એમ નવીનભાઈએ જણાવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer