સઉદી પ્રિન્સના `ભવ્ય સ્વાગત''થી ગિન્નાઈને કૉંગ્રેસે કરી વડા પ્રધાન મોદીની ટીકા

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 20 : કૉંગ્રેસે ઍરપોર્ટ પર સઉદી અરેબિયાના પાટવીકુંવર મોહમદ બિન સલમાનનું સ્વાગત કરવા હાજર રહેવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી અને એવો સવાલ કર્યો હતો કે પાકિસ્તાનના `આતંકવાદી વિરોધી' પ્રયાસોની પ્રશંસા કરનારાનું `ભવ્ય સ્વાગત' કરીને પુલવામાના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને યાદ કરવાની શું વડા પ્રધાનની આવી રીત છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાનનું સ્વાગત કરવા ઍરપોર્ટ પહોંચી ગયા હતા. તેમણે સઉદી પ્રિન્સ સાથે હસ્તધૂનન કર્યું હતું અને તેમને આલિંગન કર્યું હતું. કૉંગ્રેસે આવા સ્વાગતનું અને આલિંગનના પોસ્ટ કરાયેલા વીડિયોની ટીકા કરી હતી. `રાષ્ટ્રીય હિતો વિરુદ્ધ મોદીની હગપ્લોમસી' પ્રોટોકોલ તોડી એવી વ્યક્તિનું ભવ્ય સ્વાગત કર્યું હતું જેના દેશે પાકિસ્તાનને 20 અબજ ડૉલરની સહાય કરવાનું વચન આપ્યું છે અને પાકિસ્તાનના `આતંકવાદ વિરોધી' પગલાંઓની પ્રશંસા કરી છે. પુલવામાના શહીદોને યાદ કરવાની આ આપણી રીત છે એમ કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કર્યું હતું અને ક્રાઉન પ્રિન્સને આલિંગન આપતા અને હાસ્ય કરતા વડા પ્રધાનની તસવીરો ટેગ કરી હતી.
સૂરજેવાલાએ વડા પ્રધાનને હિંમત દર્શાવવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથે સઉદી અરેબિયાએ જારી કરેલા સંયુક્ત નિવેદનને રદ કરવા તેઓ આરબ રાષ્ટ્રને જણાવે. આ સંયુક્ત નિવેદનમાં એવી હાકલ કરાઈ હતી કે સંયુક્ત રાષ્ટ્રસંઘની આતંકવાદી યાદી તૈયાર કરવાની વ્યવસ્થાને રાજકીય રંગ આપવાનું ટાળવામાં આવે. એવા સમયે આ સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું જ્યારે જૈશ-એ-મોહમદના સરગના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવા માટેના પ્રયાસોને ભારતે ઝડપી બનાવ્યા છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer