પુલવામા હુમલાના પુરાવા પાકિસ્તાનને નહીં આપે ભારત

વિશ્વના અન્ય દેશો સામે ઈસ્લામાબાદનો આતંકી ચહેરો કરવામાં આવશે બેનકાબ

નવી દિલ્હી, તા. 20 : પુલવામા હુમલા ઉપર ભારત તરફથી પાકિસ્તાનને કોઈપણ પુરાવા આપવામાં આવશે નહીં. કહેવાઇ રહ્યું છે કે, બુધવારે ગૃહમંત્રી રાજનાથ સિંહ અને પાકિસ્તાનમાં ભારતના રાજદૂત અજય બિસારિયા વચ્ચે થયેલી મુલાકાતમાં નક્કી થયું હતું કે, પુલવામા હુમલા સંબંધિત કોઈપણ પુરાવા ભારત પાકિસ્તાનને સોંપશે નહીં અને જો પાકિસ્તાન દ્વારા પુરાવા માગવામાં આવે તો તેનો સ્પષ્ટ ઈનકાર કરી દેવા માટે અજર બિસારિયાને આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ અન્ય દેશોને હુમલા પાછળની હકીકત અને પુરાવા બતાવીને પાકિસ્તાનને બેનકાબ કરવામાં આવશે. 
પુલવામાના આતંકી હુમલા બાદ ભારતે કહ્યું હતું કે, હુમલાને અંજામ આપવામાં પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને મદદ કરી હતી. આ નિવેદન ઉપર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારત પુરાવા આપીને સાબિત કરે કે પુલવામા હુમલામાં પાકિસ્તાને મદદ કરી હતી. આ મુદ્દે પાકિસ્તાનમાં ભારતના રાજદૂત અજય બિસારિયા અને ગૃહમંત્રી રાજનાથ સિંહ વચ્ચે એક મહત્ત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં પુરાવા પાકિસ્તાનને ન સોંપવાનું નક્કી થયું હતું. પરંતુ અન્ય દેશોને પુલાવામા હુમલાના પુરાવા બતાવીને પાકિસ્તાનનો આતંકી ચહેરો બેનકાબ કરવામાં આવે તેવો નિશ્ચય કરવામાં આવ્યો હતો. બીજી તરફ મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારના એક શિર્ષ અધિકારીએ પણ પુલવામા હુમલાની આકરી ટીકા કરી હતી અને પુલાવામામાં જ થયેલા એન્કાઉન્ટરમાં પણ જવાનો શહીદ થવા ઉપર દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું. આ સાથે આતંકી હુમલાના અપરાધિઓને ન્યાયના દાયરામાં લાવવાની અપીલ કરી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer