ભારત કે વીરોં કે નામ, સ્ટૉક માર્કેટ કા સલામ

દેશના જવાનોને સંદેશ મોકલવા BSEની વ્યવસ્થા 

મુંબઈ, તા. 20 : પુલવામામાં શહીદ થયેલા જવાનોની ઘટનાએ સમગ્ર દેશમાં આક્રોશ સાથે લાગણીની લહેર પણ ફેલાવી દીધી છે જેમાં બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) પણ સામેલ છે જેના દરેક કર્મચારીએ પોતાના એક દિવસની સૅલેરી આ શહીદોના પરિવારો માટે દાનમાં આપી દીધી છે. જયારે આ સાથે `ભારત કે વીરોં કે નામ, સ્ટૉક માર્કેટ કા સલામ' શીર્ષક સાથે એક નવી ઝુંબેશ પણ શરૂ કરી છે. 
આ ઝુંબેશના ભાગરૂપે લોકો CRPFના જવાનો માટે પોતાનો વિડિયો-સંદેશ મોકલી શકે અથવા ઈ-મેઇલ મારફત સંદેશ મોકલી શકે એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. BSE, BSE બ્રોકર્સ ફોરમ અને ઍસોસિએશન અૉફ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ મેમ્બર્સે મળીને સંયુક્ત રીતે આ વ્યવસ્થા ઊભી કરી છે જેમાં નાગરિકો આ જવાનોના સપોર્ટમાં પોતાનો એક મિનિટ સુધીનો વિડિયો [email protected] પર અથવા મોબાઇલ-નંબર 9819664641 પર વૉટ્સઍપ મારફત મોકલી શકે છે. આ ત્રણેય સંસ્થા જવાનો માટે ફન્ડ પણ એકઠું કરી રહી છે. 
આ ઉપરાંત લોકો પોતાનો મેસેજ મોકલવા માટે BSE દ્વારા ઊભા કરાયેલા કિઓસ્ક સેટઅપનો પણ ઉપયોગ કરી શકે છે. આ સેટઅપ વ્યવસ્થા  20થી 22 ફેબ્રુઆરીએ સવારે 10થી સાંજે પાંચ વાગ્યા સુધી નોર્ટન હૉલ, BSE ઇન્ટરનૅશનલ કન્વેન્શન હૉલની પાછળ, પહેલે માળે, પી. જે. ટાવર, દલાલ સ્ટ્રીટ, ફોર્ટ, મુંબઈ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. આમાંથી અમુક પસંદ કરાયેલા મેસેજ BSEની વેબસાઇટ પર પણ મુકાશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer