થાણેના કોરમ મૉલમાં દીપડો ઘૂસ્યો

થાણેના કોરમ મૉલમાં દીપડો ઘૂસ્યો
ભારે જહેમત બાદ પડોશની સત્કાર હૉટલના બેઝમેન્ટમાંથી તેને પકડવામાં આવ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
થાણે, તા. 20 : બુધવારે થાણેના કોરમ મૉલમાં એક દીપડો ઘૂસ્યો હતો. જોકે ભારે જહેમત બાદ પોલીસ, અગ્નિશમન દળ અને વન અધિકારીઓને તેને પાંજરે પુરવામાં સફળતા મળી હતી.
સૂત્રોએ કહ્યું હતું કે બુધવારે મધ્યરાત્રિની આસપાસ નીતિન કંપની વિસ્તારમાં આવેલા કોરમ મૉલના પાર્કિંગ વિસ્તારમાં દીપડો ઘૂસ્યો હતો. ત્યાંના એક સિક્યોરિટી ગાર્ડની પાર્કિંગ એરિયામાં ટહેલતા દીપડા પર નજર ગઈ હતી. તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ઘટનાસ્થળે પોલીસ, અગ્નિશન દળ, ડિઝાસ્ટર કંટ્રોલ મૅનેજમેન્ટ અને વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સીસીટીવી તપાસવામાં આવતા એવી ખબર પડી હતી કે દીપડો પરોઢે 5.29 વાગ્યે કમ્પાઉન્ડ વૉલ કૂદીને બાજુના વિસ્તારમાં ગયો છે. મૉલના કમ્પાઉન્ડ વૉલની પાસે આવેલી સત્કાર હોટલમાં એ છુપાયો હોવાની ખબર પડી હતી. વન વિભાગે ભારે જહેમત બાદ બપોરે 11.50 વાગ્યે ત્યાંના બેઝમેન્ટમાંથી દીપડાને રેસ્ક્યુ કર્યો હતો. આમ છતાં વન અધિકારીઓએ આખા કોરમ મૉલની તપાસ કરવાનું નક્કી કર્યું હતું. ત્યાંથી કંઈ ન મળતા એને ખોલવાની છૂટ આપવામાં આવી હતી.
મોલમાં દીપડો ઘૂસ્યાના સમાચાર વાયુવેગે થાણેમા પ્રસરી જતા લોકોની ત્યાં ભીડ જમાં થઈ હતી.
સ્થાનિક નાગરિકોએ કહ્યું હતું કે થાણેના પોખરણ વિસ્તારમાં દીપડાઓ અવારનવાર નજરે પડે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer