અમેરિકાનો પાકિસ્તાનને સખત સંદેશ : હુમલાના જવાબદારોને સજા કરો

અમેરિકાનો પાકિસ્તાનને સખત સંદેશ : હુમલાના જવાબદારોને સજા કરો
ન્યૂ ઝીલૅન્ડ સહિત વિવિધ દેશોની સંસદમાં પણ નિંદા પ્રસ્તાવ પસાર

નવી દિલ્હી, તા. 20 : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગત ગુરુવારે થયેલા સીઆરપીએફના જવાનો પર આતંકવાદી હુમલાની દુનિયાભરમાં નિંદા થઇ રહી છે. અમેરિકાએ આ હુમલાને ભયંકર ગણાવીને પાકિસ્તાનને સખત સંદેશ આપતાં જે કોઇ જવાબદારો હોય તેની સામે કાર્યવાહી કરવા ટકોર કરી હતી. તો ન્યૂઝીલેન્ડ સહિતના વિવિધ દેશોએ સંસદમાં નિંદા પ્રસ્તાવ પસાર કર્યો હતો.
એક અલાયદી પત્રકાર પરિષદ બોલાવીને અમેરિકી સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે, તે ભારત સાથે સતત સંપર્કમાં છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પુલવામા ત્રાસવાદી હુમલાની સ્થિતિને `ભયંકર સ્થિતિ' ગણાવી હતી, જેમાં 40 ભારતીય જવાનો શહીદ થયા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ સતત હેવાલો મગાવી રહ્યા છે અને નિવેદન જારી કરશે.
જ્યારે આજે એક અલગ નિવેદનમાં સરકારના નાયબ પ્રવક્તા રોબર્ટ એલેન્ડેરે ભારત માટે સખત ટેકો દર્શાવ્યો હતો અને પાકિસ્તાનને કહ્યું હતું કે, 14મી ફેબ્રુઆરીના હુમલામાં જે કોઇ જવાબદાર હોય તેને સજા આપો.
ટ્રમ્પે કહ્યું, `મેં જોયું, મેં ઘટના  હેવાલ મેળવ્યા અને યોગ્ય સમયે ટિપ્પણી કરી હતી. જો ભારત-પાકિસ્તાન સાથે મળે તો સારું થાય.'
હવે ન્યૂઝીલેન્ડની સંસદે હુમલાને લઇને નિંદા પ્રસ્તાવ પસાર કર્યો હતો. ન્યૂઝીલેન્ડની સંસદમાં બુધવારે વિદેશમંત્રી અને નાયબ વડાપ્રધાને નિંદા પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
નાયબ વડાપ્રધાન વિંસ્ટન પીટર્સે જાણકારી આપી કે, મેં દરખાસ્ત રજૂ કરી કે સંસદ સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલાની નિંદા કરે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer