ભારત અને સઉદી અરેબિયા આતંકવાદને ડામવા સંમત

ભારત અને સઉદી અરેબિયા આતંકવાદને ડામવા સંમત
આતંકવાદીઓને ટેકો આપતા દેશો પર દબાણ વધારશે : પ્રવાસન સહિત પાંચ ક્ષેત્રે થયા એમઓયુ

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 20: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાન, આતંકવાદના દૂષણ સામે કામ પાડવા અને તેને ટેકો આપનાર દેશો પર દબાણ વધારવા સંમત થયા હતા. પાકનો નામોલ્લેખ કર્યા વિના બેઉ નેતાઓ એ વાતે ય સહમત હતા કે આતંકવાદના માળખાને નેસ્તનાબૂદ કરવો એ ત્રાસવાદી અને તેના ટેકેદારોને સજા કરવા જેવું મહત્ત્વનું છે. દ્વિપક્ષી વાટાઘાટ બાદ પત્રકાર પરિષદ સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે પુલવામાનો બર્બર હુમલો ક્રૂરતાનો સંકેત છે. આ દૂષણ સામે અસરકારક રીતે કામ પાડવા, કોઈ પણ રીતે આતંકવાદને ટેકો આપતા દેશો પર સંભવિત દબાણ વધારવાની જરૂર હોવા બાબત સંમત છીએ. દરમિયાન બેઉ નેતાઓની હાજરીમાં મૂડીરોકાણ, પ્રવાસન, ગૃહ નિર્માણ અને માહિતી-પ્રસારણ સહિતના ક્ષેત્રે પાંચ એમઓયુ પર સહીસિક્કા થયા હતા. ગુપ્તચર બાતમીઓ સહભાગી કરવા સહિતના દરેક પાસામાં રિયાધ નવી દિલ્હીને સહકાર આપશે તેમ જજ આતંકવાદ સાથે આપણી સમાન નિસ્બત હોઈ તેની સાથે કામ પાડવામાં ભારતને સહકાર આપશું એમ સલમાને જણાવ્યુ હતુ. સંરક્ષણ ક્ષેત્રે સહકાર વિસ્તારવા બેઉ દેશો સંમત થયા છે.
ભારતના બે દિવસના પ્રવાસે આવેલા મોહમ્મદ બિન સલમાનનું આજે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક સ્વાગત કરવામાં આવ્યુ હતું અને તેમને સલામી અપાઈ હતી. આ તકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન મોજુદ હતા.
પાકિસ્તાનની મુલાકાત અને વડા પ્રધાન ઈમરાન ખાન સાથે વાટાઘાટ કર્યા બાદ સાઉદી નેતા નવી દિલ્હી આવ્યા છે. પુલવામા હુમલાએ ભારત-પાક સંબંધો વણસાવ્યાના ઓછાયા તળે બેઉ નેતાઓ વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટ થઈ હતી અને સંયુકત અખબારી નિવેદન પણ જારી થયું હતું. તેમની પાક મુલાકાત અંગે ભારતમાં થતી ટીકાની પશ્ચાદમાં મોહમ્મદે જણાવ્યું હતું કે ભારત અને અરેબીઅન દ્વીપસમૂહ વચ્ચેના સંબંધો અમારા ડીએનએમાં છે. ભારત અને સાઉદીના સંબંધો સેંકડો વર્ષ જૂના છે અને આ પચાસ વર્ષોમાં આ સંબંધોએ મજબૂતી પ્રાપ્ત કરી છે. આપણા હિતો સમાન છે. અગાઉ ભારત આવી ગયો છું પણ પ્રતિનિધિમંડળ સાથે આ મારો પ્રથમ પ્રવાસ છે. સાઉદી નેતાને
આવકારતું ટવીટ કરનાર પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને વ્યક્તિગતપણે સાઉદી પાટવી કુંવર (33)ને વ્યક્તિગતપણે આવકાર્યા હતા અને પ્રિન્સ તેમના વિમાનમાંથી ઉતરતા પીએમ તેમને તેમને ભેટયા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer