ઉત્તર પ્રદેશના દેવબંદમાંથી ઝડપાયા જૈશના બે આતંકી

ઉત્તર પ્રદેશના દેવબંદમાંથી ઝડપાયા જૈશના બે આતંકી
આતંકવાદી સંગઠને આપી હતી ભરતીની જવાબદારી

લખનઉ, તા. 22 : પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઉત્તર પ્રદેશના સહારનપુરથી પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં એક આતંકીનું નામ શાહનવાઝ અહમદ તેલી છે જે કુલગામનો છે. જ્યારે બીજો આતંકી પુલવામાનો આકિબ અહમદ મલિક છે. આ બન્ને દંવબંદની એક હોસ્ટેલમાં વિદ્યાર્થી બનીને રહેતા હતા અને આતંકવાદી સંગઠન માટે ભરતીની જવાબદારી બન્નેએ સંભાળી હતી. જો કે પોલીસે હોસ્ટેલમાંથી જ બન્ને આતંકીને દબોચીને તપાસ શરૂ કરી છે.
ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, ઝડપાયેલા બે આતંકીમાંથી એક શાહનવાઝને જૈશ-એ-મોહમ્મદ તરફથી ભરતીની જવાબદારી સોંપવામાં આવી હતી. આ હેતુથી વારંવાર દેવબંદ આવતો હતો. છેલ્લા લાંબા સમયથી શાહનવાઝ અને અહમદ પોલીસની નજરમાં હતા. જેમાંથી શાહનવાઝ તેલી ગ્રેનેડનો એક્સપર્ટ ગણવામાં આવે છે. પોલીસના કહેવા પ્રમાણે આતંકવાદીઓ કોઈપણ કોલેજ કે સંસ્થામાં પ્રવેશ વિના પોતાને છાત્ર ગણાવી રહ્યા હતા. પોલીસે આતંકી પાસેથી 32 બોરના બે તમંચા અને 30 કારતુસ પકડી પાડયા હતા. આ ઉપરાંત જેહાદી વાતચીત પણ પોલીસના હાથ લાગી છે. 
પોલીસ ઝડપાયેલા બન્ને આતંકવાદીઓને લખનઉની કોર્ટમાં રજૂ કરીને કસ્ટડીની માગણી કરશે. પુછપરછ દરમિયાન શાહનવાઝે કેટલા લોકોને સંગઠનમાં ભરતી કર્યા છે અને તેને આતંકી ભંડોળ ક્યાંથી અને કેવી રીતે મળતું હતું તે પણ જાણવામાં આવશે. ડીજીપીના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશ પોલીસ આતંકવાદી મામલે કાશ્મીર પોલીસ સાથે પણ સંપર્કમાં છે.  
Published on: Sat, 23 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer