ક્રાઇસ્ટચર્ચ પરના આતંકી હુમલા બાદ ન્યૂ ઝીલૅન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટેસ્ટ રદ

ક્રાઇસ્ટચર્ચ પરના આતંકી હુમલા બાદ ન્યૂ ઝીલૅન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટેસ્ટ રદ
બાંગ્લાદેશની ટીમ સહેજમાં બચી ગઈ : ભયભીત ખેલાડીઓએ નજર સામે મોતનો ખેલ જોયો

ક્રાઇસ્ટચર્ચ, તા.15: અહીં આજે સવારે બે મસ્જિદ પરના આતંકી હુમલા દરમિયાન બંગલાદશેની ક્રિકેટ ટીમ સહેજમાં બચી ગઇ છે. આ ઘટના બાદ બંગલાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રાઇસ્ટચર્ચમાં શનિવારથી શરૂ થઇ રહેલો ત્રીજો અને આખરી ટેસ્ટ રદ કરી દેવામાં આવ્યો છે. ભયભીત બંગલાદેશી વહેલામાં વહેલી તકે વતન પરત ફરશે. આઇસીસીએ મેચ રદ કરવાને સમર્થન આપ્યું છે. બંગલાદેશની ટીમ ક્રાઇસ્ટચર્ચના હેગ્લે પાર્ક વિસ્તારમાં અલ નૂર મસ્જિદમાં શુક્રવારે સવારે નમાઝ પઢવા પહોંચી હતી. ત્યારે હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અને બંગલાદેશ ક્રિકેટ બોર્ડ વચ્ચેની વાતચીત બાદ ત્રીજો ટેસ્ટ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ આતંકી ઘટનામાં લગભગ 50 લોકોના મૃત્યુ થયા છે.
બંગલાદેશની ટીમ નમાઝ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશ કરવાની હતી જ ત્યારે જ ફાયરિંગનો અવાજ શરૂ થયો હતો. આથી તમામ ખેલાડીઓ ત્યાંથી સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. બંગલાદેશની ટીમના ખેલાડી તમિત ઇકબાલે આ આતંકી ઘટના બાદ ખોફનાક દાસ્તાન પર ટિવટ કર્યું હતું. તેણે લખ્યું હતું કે મોતથી નજીકથી પસાર થઇને ખેલાડી સુરક્ષિત બચી નીકળ્યા છે. અમારા માટે આ બહુ મોટો ડરાવનારો અનુભવ રહયો. અમારા માટે પ્રાર્થના કરતા રહો. તો બંગલાદેશના સુકાની મુશફકિર રહીમે ટીવટ કર્યું કે અલ્લાની મહેરબાનીથી અમે બધા બચી ગયા. અમે નસીબદાર છીએ. અમે બીજીવાર આવી ઘટના જોવા માગતા નથી.
સુકાનીની પત્રકાર પરિષદ લાંબી ચાલી એટલે ટીમ મોડી પહોંચી અને બચી ગઈ
જીવ બચાવવા ખેલાડી  બસમાં સીટ નીચે ઘૂસી ગયા 
બંગલાદેશની ટીમના મેનેજર ખાલિદ મસૂદે આંખે દેખ્યો ભયાવહ માહોલ બતાવતા કહયું કે જો અમે થોડી મિનિટો વહેલા મસ્જિદમાં પહોંચી ગયા હોત તો કોઇ બચ્યું ન હોત. કોઇ ફિલ્મ જેવા દ્રષ્યો હતો. લોહીથી લથબથ લોકો બહાર આવી રહયા હતા. અમે મસ્જિદની નજીક હતા, અને જોઇ શકતા હતા. બંગલાદેશની ટીમને નિર્ધારિત સમય અનુસાર મસ્જિદ વહેલું જ પહોંચવાનું હતું, પણ સુકાની મુશફકિર રહીમની મેચ પહેલાની પત્રકાર પરિષદમાં વધુ સમય નીકળી ગયો. આથી ટીમ 10 મિનિટ મોડી મસ્જિદ પહોંચી, જેથી આબાદ બચાવ થયો. મેનેજરે કહયું કે અમે 8-10 મિનિટ સુધી બસમાં સીટ નીચે સૂતા રહયા. જો હુમલાખોરે અમને બસમાં જોઇ લીધા હોત તો બસમાં પણ હુમલો કરી શકે તેમ હતો. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer