એશિયામાં સુધારાના સંકેતથી સેન્સેક્ષ 38,000ને પાર

એશિયામાં સુધારાના સંકેતથી સેન્સેક્ષ 38,000ને પાર
ઊંચા મથાળે હેવી વેઇટ શૅરોમાં વેચવાલી : વિદેશી રોકાણકારોની ખરીદીથી બજારમાં સુધારો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 15 : ચીનનો વૃદ્ધિદર 17 વર્ષના તળિયે પહોંચવા છતાં અમેરિકાની ટ્રેડ વાટાઘાટ સકારાત્મક રહેવા સાથે દેશમાં આર્થિક વૃદ્ધિદર ઘટયો છે. ફુગાવાના ફેબ્રુઆરી '19ના આંકમાં વધારો અને ક્રૂડતેલમાં મજબૂતાઈથી શૅરબજારમાં ઊંચા ભાવે સટ્ટાકીય લેણ ઘટી રહ્યાના સ્પષ્ટ સંકેત મળે છે. તેથી આજે ઇન્ટ્રાડે સેન્સેક્ષ 500 પોઇન્ટની ઊંચાઈ પછી ટ્રેડિંગને અંતે સંકડાઈને 269 પોઇન્ટ સુધારે 38,024 બંધ રહ્યો હતો. એનએસઈ ખાતે નિફ્ટી 11,487ની ટોચથી કરેકશનમાં ઘટીને 84 પોઇન્ટ સુધારે 11,426.85 બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 83 અને 51 પોઇન્ટ સુધરીને બંધ રહ્યા હતા. આમ છતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી, હિન્દુસ્તાન લીવર અને અલ્ટ્રાટેક જેવા હેવીવેઇટ શૅરોમાં નોંધપાત્ર ભાવ ઘટાડો સૂચક ગણી શકાય. અઠવાડિક ધોરણે નિફ્ટી 3.54 ટકા ઊંચાઈએ બંધ રહ્યો છે. મની કન્ટ્રોલના અહેવાલ પ્રમાણે ગુરુવારે એફપીઆઈએ અંદાજે રૂા. 1450 કરોડની ખરીદી કરી હતી. જેમાં કેટલાક હેવી વેઇટ બૅન્કિંગ, તેલ-ગૅસ ક્ષેત્રના શૅરોનો સમાવેશ થાય છે. આજે પુન: સુધારને લીધે બૅન્કિંગ ઇન્ડેક્સ 29,521 સુધી વધ્યો હતો. બીએસઈ ખાતે બજાર ઊંચે રહેવા છતાં 1478 શૅર ઘટવા સામે 1207 વધ્યા હતા. જ્યારે 111  શૅર વર્ષના તળિયે ગયા હતા. વ્યક્તિગત શૅરમાં ટાઇટન અને યુપીએલ વર્ષના ટોચે ક્વોટ થયા હતા. બીઓબી, પીએનબી અને એસબીઆઈ નોંધપાત્ર વધતા રહ્યા છે.
આજે નિફ્ટીના અગ્રણી શૅરમાં નોંધપાત્ર સુધરનાર કોટક બૅન્ક રૂા. 56, એચડીએફસી બૅન્ક રૂા. 28, ટીસીએસ રૂા. 53, એલએન્ડટી રૂા. 17, એચડીએફસી રૂા. 18, યુપીએલ રૂા. 9, જ્યારે ઊર્જા અને તેલગૅસ ક્ષેત્રના શૅરમાં રૂા. 5થી 10નો વધારો નોંધાયો હતો.
આજે સુધરતા બજારે ઘટનાર અગ્રણી શૅરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 20, આઈટીસી રૂા. 5, એચયુએલ રૂા. 39, એક્સીસ અને યસ બૅન્ક રૂા. 5 ઘટયા હતા. અલ્ટ્રાટેક રૂા. 48 ઘટયો હતો.
એનલિસ્ટોના જણાવ્યા પ્રમાણે હેવી વેઇટની તીવ્ર વધઘટ સામે મિડકેપ-સ્મોલકેપમાં મંદી ઝોકના લીધે દૈનિક ધોરણે બજારમાં રેન્જબાઉન્ડ વધઘટ સાથે મંદીના સંકેત વધી રહ્યા છે.
એશિયાનાં મુખ્ય બજાર
અગાઉના અઠવાડિયાનો ઘટાડો પચાવીને એશિયન બજારોમાં પ્રત્યાઘાતી સુધારો આવ્યો છે. એશિયાના મુખ્ય એમએસસીઆઈ બ્રોડેસ્ટ 0.55 ટકા, શાંઘાઈ કમ્પોઝીટ ઇન્ડેક્સ 0.7 ટકા અને જપાન ખાતે નિક્કી 0.8 ટકા વધ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer