આયુષ્માન ભારત અમીર ઉદ્યોગપતિઓના હાથમાં : રાહુલ

ભાજપે કહ્યું, યોજના ઉપર નિવેદન રાહુલ ગાંધીના અલ્પ જ્ઞાનનું પ્રતીક

નવી દિલ્હી, તા. 15 : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના આયુષ્માન ભારતને લઈને સવાલ ઉઠાવ્યા છે. રાહુલે કહ્યું હતું કે, સરકાર વીમો આપે છે પણ જે હોસ્પીટલ, સ્વાસ્થ્ય કર્મીઓનું જે માળખું છે તેનું સમર્થન કરી શકાય તેમ નથી અને યોજનાનું પુરુ નેટવર્ક વ્યવસ્થિત રીતે દરેક રાજ્યમાં બનાવવું પડશે. વધુમાં મોદી સરકારની આયુષ્માન યોજના 15-20 ઘનાઢ્ય કારોબારીઓના હાથમાં હોવાનો આરોપ પણ મુક્યો હતો. જ્યારે ભાજપે પલટવારમાં કહ્યું હતું કે, આયુષ્માન ભારત ઉપર નિવેદન રાહુલના અલ્પ જ્ઞાનનું પ્રતીક છે. 
રાહુલ ગાંધીએ ટ્વીટર મારફતે કહ્યું હતું કે, ગરીબ હોવાનું સૌથી મોટું કારણ સ્વાસ્થ્ય સેવા છે અને આ સ્વાસ્થ્યનો આધાર મજબુત બને તે સુનિશ્ચિત કરવાની જરૂર છે. સરકાર કોઈપણ જાતના સ્વાસ્થ્યના માળખા વિના વિમો આપી રહી છે. પરંતુ સ્વાસ્થ્ય સેવા આપવાની ક્ષમતા મજબુત કર્યા વિના વીમા પ્રણાલી કામ કરી શકે નહી. આ ઉપરાંત રાહુલ ગાંધીએ આયુષ્માન ભારત યોજનાને એક સમિતિ સ્વાસ્થ્ય યોજના ગણાવી હતી  અને તેનું સંચાલન 15-20 અમીર ઉદ્યોગપતિ કરતા હોવાનો દાવો કર્યો હતો.  રાહુલે કહ્યું હતું કે, સ્વાસ્થ્ય સેવા અને શિક્ષામાં સાર્વનજનિક ક્ષેત્રની ભૂમિકા વધારવાની જરૂર છે અને તેઓ શિક્ષા ક્ષેત્રમાં જીડીપીના પાંચથી 6 ટકા ખર્ચ કરવા માટે પ્રતિબદ્ધ છે. બીજી તરફ ભાજપ તરફથી પ્રતિક્રિયામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે, આયુષ્માન ભારત ઉપર રાહુલનું નિવેદન તેમના અલ્પ જ્ઞાનનું પ્રતીક છે. સારા કામની પ્રશંસા કરવી એ રાહુલની નિયત નથી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer