ગુજરાત કૉંગ્રેસની વેબસાઇટ હેક

હાર્દિકનો જૂનો અશ્લીલ વીડિયો મુકાયો વેબપેજ પર

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.15 : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. લોકસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર થઇ ગઇ છે ત્યારે કૉંગ્રેસની વેબસાઇટ હેક કરવામાં આવી છે  અને હેકર દ્વારા વેબસાઇટ હેક કર્યા બાદ હાર્દિકનો જૂનો અશ્લીલ વીડિયો કૉંગ્રેસના વેબ પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે. જોકે, ત્યાર બાદ ગુજરાત કૉંગ્રેસની વેબસાઇટ બંધ કરી દેવામાં આવી છે.   
પ્રાપ્ત માહિતી  અનુસાર, ગુજરાત કૉંગ્રેસની વેબસાઇટ હેકર દ્વારા હેક કરવામાં આવી છે. વેબસાઇટ હેક કર્યા બાદ હેકર્સે હાર્દિક પટેલનો જૂનો અશ્લીલ વીડિયો કૉંગ્રેસના વેબ પેજ પર મૂકી દીધો હતો. હાલમાં કૉંગ્રેસનું વેબ પેજ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી બાજુ ભાજપના પ્રવક્તા તજેન્દ્રસિંહ બગ્ગાએ કૉંગ્રેસની વેબસાઇટના ક્રિન શોર્ટ મૂકી ટ્વીટર પર રાહુલ ગાંધીને પૂછ્યું છે કે તમે આવા લોકોને પ્રમોટ કરી વોટ માગશો. 
ગુજરાત કૉંગ્રેસના આઇટી સેલના ઇન્ચાર્જ હેમાંગ રાવલના જણાવ્યા અનુસરા, વેબસાઇટ એક સર્વર પર ચાલતી હોય છે અને અનેક લોકો હેક કરી શકે છે. કૉંગ્રેસની આ વેબસાઇટ પર એરર આવી રહી છે. કોઇએ તેને હેક કરી હોય એવું લાગતાં અમે વેબસાઇટ બંધ કરી દીધી છે. અમે આ વેબસાઇટ ક્યાંથી હેક કરાઇ છે, તેનું આઇપી એડ્રેસ શોધીને ફરિયાદ નોંધાવીશું. કૉંગ્રેસે જણાવ્યું કે, તેઓ આ અંગે પોલીસ ફરિયાદ કરશે અને બગ્ગાજીના સ્માર્ટ ફોનને વધુ તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવાની માગણી કરશે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીની ભાજપ અને કૉંગ્રેસ એમ બન્ને રાજકીય પક્ષ દ્વારા પૂર જોરશોરથી ચાલી રહી છે. પાસ કન્વીનર હાર્દિક પટેલ ગત 12 માર્ચે જ કૉંગ્રેસમાં વિધિવત રીતે જોડાયો છે, ત્યારે કૉંગ્રેસની વેબસાઇટ હેક કરી હાર્દિકના જૂના અશ્લીલ વીડિયો વેબ પેજ પર મૂકવામાં આવતા, ભાજપના જ હેકર્સ દ્વારા આ કામગીરી કરવામાં આવી હશે તેવી આશંકા કૉંગ્રેસનાં વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. મહત્ત્વનું છે કે, 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં પણ હાર્દિક પટેલના આ વીડિયો વાયરલ થયા હતા અને ભાજપે તે વીડિયો મુદ્દે હાર્દિકની છબી પર અનેક પ્રશ્રન ઊભા કર્યા હતા. હવે લોકસભા ચૂંટણી આવી ત્યારે કૉંગ્રેસની વેબસાઇટ હેક કરી આ જૂના વીડિયો અપલોડ કરવામાં આવતા હાર્દિક ફરી ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ મામલે કૉંગ્રેસે તપાસ હાથ ધરી છે. 
Published on: Sat, 16 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer