અડધી રાતે પાક સરહદે ગરજ્યાં ભારતીય યુદ્ધવિમાન

કાશ્મીર નજીક પાક વિમાન દેખાયા બાદ વાયુસેનાએ પંજાબ સરહદ નજીક કર્યો યુદ્ધાભ્યાસ

નવી દિલ્હી, તા. 15 : પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પ ઉપર ભારતીય વાયુસેનાના એરસ્ટ્રાઈક બાદ બન્ને દેશો વચ્ચે તણાવ છે અને બે દિવસ અગાઉ ફરી એક વખત સરહદ નજીક પાકિસ્તાની યુદ્ધવિમાન જોવા મળ્યા બાદ ભારતીય વાયુસેનાએ ગુરુવારે રાતે પંજાબમાં પાકિસ્તાની સરહદ નજીક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં મોટા પ્રમાણમાં ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોએ ભાગ લીધો હતો. 
પંજાબમાં પાકિસ્તાની સરહદ નજીક જ્યારે ભારતીય વાયુસેનાનો અભ્યાસ ચાલી રહ્યો હતો તે દરમિયાન આસપાસના વિસ્તારમાં ભારે વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો. જેનાથી અમૃતસર શહેરમાં લોકોમાં તમામ જાતની આશંકાઓ શરૂ થઈ હતી. હકીકતમાં અભ્યાસ દરમિયાન મોટી સંખ્યામાં વાયુસેનાના યુદ્ધ વિમાનોએ પંજાબ અને જમ્મુ ક્ષેત્ર ઉપર સુપર સોનિક બુમ તૈયાર કર્યું હતું. આ જ કારણથી વિમાન પસાર થતા ભારે વિસ્ફોટ થયો હોય તેવા અવાજ સંભળાયા હતા. વિસ્ફોટ જેવા અવાજના કારણે લોકો સોશિયલ મીડિયામાં વાતો શરૂ થઈ હતી. જેના કારણે સ્થાનિક પ્રશાસને મોડી રાતે લોકોને અફવા ઉપર ધ્યાન ન આપવા કહ્યું હતું. આ અગાઉ પાકિસ્તાનનું એક યુદ્ધવિમાન બુધવારે જમ્મુ કાશ્મીર સરહદે જોવા મળ્યું હતું. ત્યારબાદ હવાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer