બ્રિજ પરથી નીચે પડનાર સાડીના ગુજરાતી વેપારીને ટૅક્સીવાળાએ બચાવ્યા

બ્રિજ પરથી નીચે પડનાર સાડીના ગુજરાતી વેપારીને ટૅક્સીવાળાએ બચાવ્યા
લોહી નીંગળતી હાલતમાં ડ્રાઇવર તેમને હૉસ્પિટલ લઈ ગયો અને પાકીટ પણ મૂકી ગયો
 
અમૂદ દવે તરફથી
મુંબઈ, તા. 15 : ગઈ કાલે સરકારી પ્રશાસનની બેદરકારી અને કઢંગા કામકાજને લીધે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીકનો અને અંજુમન ઇસ્લામ સ્કૂલને જોડતો હિમાલય બ્રિજનો સ્લૅબ તૂટી પડતાં ઘાટકોપરમાં રહેતા સિનિયર સિટિઝન દિલીપ પારેખ અને તેમના કુટુંબ પર મોટી આફત આવી પડી છે. સાડીના વેપારનું કામકાજ કરતા દિલીપભાઈ કાલબાદેવીનું તેમનું કામ પતાવીને ઘાટકોપરના તેમના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમણે ટર્મિનસ જવા આ બ્રિજનો ઉપયોગ કર્યો હતો. બ્રિજનો સ્લૅબ તૂટી પડતાં તેઓ નીચે પડયા હતા. આ દુર્ઘટનાને લીધે તેમને મલ્ટિફ્રૅક્ચર થયું છે અને આવતી કાલે સંભવત: તેમના પર શત્રક્રિયા થશે. તેમનાં પત્ની શીલાબહેને કહ્યું કે `અમે તો બેનામી ટૅક્સી-ડ્રાઇવરનો આભાર માનીએ છીએ. મારા પતિની લોહી નીંગળતી હાલત હોવા છતાં તે મારા પતિને ટૅક્સીમાં બૉમ્બે હૉસ્પિટલ લઈ ગયો હતો. તેની ટૅક્સી રક્તરંજિત થઈ હતી. તે મારા પતિના પર્સમાંથી એકેય રૂપિયો લીધા વિના પાકીટ મૂકી ગયો હતો.'
દિલીપભાઈની પુત્રી ઝરણા જે મુલુંડમાં રહે છે તેણે આ સંવાદદાતાને કહ્યું હતું કે `મારા પિતાનો મોબાઇલ ગાયબ થઈ ગયો હતો, પરંતુ તેમનું પાકીટ મળ્યું છે જેમાં 900 રૂપિયા કૅશ હતા. તેમની પાસે થેલીમાં સાડીનાં જે સૅમ્પલ હતાં એ થેલી ગાયબ થઈ ગઈ છે. અમને સવાઆઠ વાગ્યે કાપડબજારના ઓળખીતા વેપારીનો ફોન આવ્યો હતો અને તેમણે ઘટનાની જાણ કરતાં કહ્યું હતું કે તમારા પિતા બૉમ્બે હૉસ્પિટલમાં છે. મારા પિતાને જમણા પગ અને ડાબા હાથમાં ફ્રૅક્ચર છે. જોકે કરોડરજ્જુમાં ઈજા થઈ ન હોવાથી તેઓ ભયમુક્ત છે. તેમણે લગભગ એક વર્ષ સુધી પથારીવશ જ રહેવું પડશે. દુર્ઘટના બની ત્યારે તેઓ અવાચકક્બની ગયા હતા, પરંતુ હવે તેઓ આઘાતમાંથી બહાર આવી રહ્યા છે.'
દિલીપભાઈ ઘાટકોપરની નાયડુ કૉલોનીમાં રહે છે, પરંતુ રિડેવલપમેન્ટનું કામકાજ ચાલતું હોવાથી હાલમાં ઘાટકોપર-પૂર્વના સાંઈશક્તિ મકાનમાં ભાડેથી રહે છે.
તેમના સાઢુભાઈ કમલેશ કપાસીએ કહ્યું હતું કે `આ દુર્ઘટનામાં પાલિકાના દોષી અધિકારીઓ સામે પગલાં લેવાં જોઈએ. અમને પોલીસ, ટૅક્સીવાળા તથા બૉમ્બે હૉસ્પિટલના સત્તાવાળાઓનો સારો સહકાર મળ્યો છે. અમે તેમના આભારી છીએ. સરકાર તબીબી ખર્ચ ઉપાડવાની છે કે નહીં એની અમને ખબર નથી, પરંતુ બૉમ્બે હૉસ્પિટલે ખાતરી આપી છે કે અમે વિનામૂલ્ય સારવાર કરીશું.'
દિલીપભાઈને જોવા તેમનાં સગાંવહાલાં, પાડોશીએ અને ઝાલાવાડી જૈનના જ્ઞાતિજનો ઊમટી પડયા હતા.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer