ન્યૂ ઝીલૅન્ડમાં નરસંહાર

ન્યૂ ઝીલૅન્ડમાં નરસંહાર
અંધાધૂંધ ગોળીબારમાં 49નાં મૃત્યુ, નવ ભારતીય લાપતા

ક્રાઈસ્ટચર્ચ, તા.15 (પીટીઆઈ): આખી દુનિયાને દિગ્મૂઢ કરી મૂકનારી ઘટનામાં આજે ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં થયેલા હિચકારા હુમલામાં સામૂહિક નરસંહાર કરવામાં આવ્યો હતો અને હુમલાખોરે કરેલા આડેધડ ગોળીબારમાં 49 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ હુમલામાં ઘાયલ એક ભારતીય મૂળની વ્યક્તિ સહિત 48 લોકોમાંથી 20થી વધુ લોકોની હાલત ગંભીર છે. ભારતના રાજદૂતે કહ્યું હતું કે નવ ભારતીય નાગરિક કે મૂળ ભારતીયો લાપતા છે. શુક્રવારની નમાઝ માટે મોટી સંખ્યામાં પહોંચેલા લોકોને નિશાન બનાવીને આચરવામાં આવેલા આ રાક્ષસી કૃત્યની સમગ્ર વિશ્વમાંથી નિંદા કરવામાં આવી છે. ક્રાઈસ્ટચર્ચની જે મસ્જિદમાં હુમલો થયો ત્યાં બંગલાદેશની ક્રિકેટ ટીમ પણ આજે જ જવાની હતી. જો કે પત્રકાર પરિષદમાં મોડું થઈ જવાનાં કારણે ટીમ પોતાનો નિર્ધારિત સમય ચૂકી જતાં સદભાગ્યે ટીમનો આબાદ બચાવ થયો હતો. ન્યૂઝીલેન્ડનાં ઈતિહાસના આ સૌથી મોટા જાતીવાદી આતંકવાદી કૃત્યમાં એક હુમલાખોર ઉપરાંત અન્ય ત્રણની ધરપકડ કરી લેવામાં આવી છે અને કેટલાક બોમ્બ પણ નિક્રિય બનાવી દેવામાં આવ્યા હતાં.
ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાન જેસિંડા એર્ડર્ને આ ભયાનક હુમલાને અસાધારણ અને અભૂતપૂર્વ હિંસક દુષ્કૃત્ય ગણાવ્યું હતું. આ હુમલા પછી સફાળી જાગેલી પોલીસે કાર્યવાહી કરતાં એક મહિલા સહિત કુલ ચારની ધરપકડ કરી લીધી હતી અને તેમાંથી એક ઉપર હત્યાનાં આરોપો લગાવ્યા હતાં. વધુ કોઈ શંકાસ્પદો છૂપાયેલા હોવાની આશંકા ન હોવા છતાં 50 લાખની વસતી ધરાવતા આ દેશમાં ખતરાને ધ્યાને રાખીને સુરક્ષા બીજા સર્વોચ્ચ સ્તરે વધારી દેવામાં આવી હતી. આ હુમલાને પગલે એર ન્યૂઝીલેન્ડની તમામ ઉડાણો રદ કરી નાખવામાં આવી હતી. 
પ્રશાસન દ્વારા જેની ધરપકડ કરવામાં આવી છે તે કોઈનાં વિશે અધિકૃત જાણકારી આપવામાં આવી નહોતી પરંતુ એટલું સ્વીકારવામાં આવ્યું હતું કે આ પૈકી એકપણ તેમની શંકાસ્પદોની યાદીમાં સામેલ ન હતાં. જે શખસે આ હુમલાની જવાબદારી સ્વીકારી અને આખા હુમલાનું ફેસબૂક ઉપર લાઈવ સ્ટ્રીમીંગ કર્યુ તેણે આ પહેલા 74 પાનાનો એક ઢંઢેરો જાહેર કર્યો હતો અને તેમાં પોતાની ઓળખથી લઈને હુમલાનાં કારણો પણ આપ્યા હતાં. હુમલાખોરે પોતાની ઓળખ 28 વર્ષનાં ઓસ્ટ્રેલિયન નાગરિક બ્રેન્ટન ટેરેન્ટ તરીકે આપેલી છે અને તે રંગભેદી પ્રકૃતિનો છે. ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ ચારમાંથી પકડાયેલો એક સંદિગ્ધ પોતાનાં દેશનો નાગરિક હોવાની પુષ્ટિ આપી દીધી હતી. 
ન્યૂઝીલેન્ડનાં સમય અનુસાર બપોરે દોઢેક વાગ્યે અને ભારતીય સમયાનુસાર આજે વહેલીસવારે છ વાગ્યાનાં સુમારે ક્રાઈસ્ટચર્ચની અલ નૂર મસ્જિદમાં ગોળીબારની ઘટના બની હતી. સેમી ઓટોમેટિક ગનથી કરવામાં આવેલા આ હુમલા વખતે ત્યાં 100 જેટલા લોકો શુક્રવારની નમાઝ માટે હાજર હતાં. ત્યાર બાદ લિનવૂડ નામની મસ્જિદમાં ગોળીબારનાં ખબર આવ્યા હતાં અને ત્યાં સાત લોકોનાં મોત થયા હતાં.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer