આઈપીએલમાં સૌથી વધુ રન કરનારા ખેલાડીઓમાં ભારતીયનો દબદબો

આઈપીએલમાં સૌથી વધુ રન કરનારા ખેલાડીઓમાં ભારતીયનો દબદબો
નવી દિલ્હી, તા. 19: આઈપીએલની 12મી સિઝન આગામી 23 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જેને લઈને તમામ ટીમોએ તૈયારી શરૂ કરી દીધી છે. આ લીગમાં દુનિયાભરના સ્ટાર ખેલાડીઓ ભાગ લે છે પરંતુ સૌથી વધુ રન ફટકારના બેટ્સમેનોમાં ભારતીય ખેલાડીઓનો જ દબદબો છે. 
રોબિન ઉથપ્પા : રોબિન ઉથપ્પાએ અત્યારસુધી 165 મેચમાં 4086 રન કર્યા છે. જે આ યાદીમાં પાંચમા ક્રમે છે. કેકેઆરથી 2014માં જોડાયા પહેલા ઉથપ્પા મુંબઈ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ, પૂણે વોરિયર્સમાંથી રમી ચૂક્યો છે. રોબિન ઉથપ્પાના નામે કુલ 23 અડધી સદી છે.
ગૌતમ ગંભીર : પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર આઈપીએલમાં સૌથી વધુ રન કરનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમાંકે છે. ગંભીરે 154 મેચમાં 4217 રન કર્યા છે. જે દિલ્હી ડેરડેવિલ્સમાંથી સતત ત્રણ સીઝન રમ્યો હતો. ત્યારબાદ કેકેઆરમાં જોડાયો હતો. ગંભીરના નામે આઈપીએલમાં 36 અર્ધશતક છે. 
રોહિત શર્મા : મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા યાદીમાં ત્રીજા ક્રમાંકે છે. રોહિતે 173 મેચમાં 4493 રન કર્યા છે. શરૂઆતી ત્રણ સિઝનમાં રોહિત ડેક્કન ચાર્જર્સની ટીમમાંથી રમ્યો હતો અને 2009માં આ ટીમે ટ્રોફી જીતી હતી. રોહિત 2011માં મુંબઈમાં જોડાયો હતો અને ટીમ 2013માં ચેમ્પિયન બની હતી. મુંબઈની ટીમે રોહિતનાં નેતૃત્વમાં 2015 અને 2017માં પણ આઈપીએલ ટ્રોફી જીતી હતી. 
વિરાટ કોહલી : ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધુ રન કરનારા બેટ્સમેનમાં બીજા ક્રમાંકે છે. તેણે 163 મેચમાં 4948 રન કર્યા છે. કોહલીનાં નામે આઈપીએલમાં 4 સદી અને 34 અડધી સદી છે. આ ચારેય સદી કોહલીએ 2016ની સિઝનમાં બનાવી હતી અને 16 મેચમાં 973 રન કર્યા હતા. જો કે કોહલીના નેતૃત્વની આરસીબી ક્યારેય આઈપીએલ જીતી શકી નથી.
સુરેશ રૈના : ચૈન્નઈ સુપર કિંગ્સનો મહત્ત્વનો ખેલાડી સુરેશ રૈના આઈપીએલમાં સૌથી વધુ રન કરનારો ખેલાડી છે. રૈનાએ 176 મેચમાં 4985 રન કર્યા છે. ડાબોડી બેટ્સમેન રૈના અત્યારસુધી આઈપીએલમાં 1 સદી અને 35 અડધી સદી ફટકારી ચૂક્યો છે. રૈનાએ 2016 અને 2017માં ગુજરાત લાયન્સનું નેતૃત્વ કર્યું હતું.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer