ઓછી આવક અને માગથી ગોળના ભાવ વધ્યા

ઓછી આવક અને માગથી ગોળના ભાવ વધ્યા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : હોળીના તહેવાર નિમિત્તે માગ નીકળવાથી અને ગરમી શરૂ થવાની સાથે આવકો ઓછી થતાં ગોળના જથ્થાબંધ ભાવ કિલોદીઠ ત્રણ-ચાર રૂપિયા વધી ગયા છે.
ગોળ ઉત્પાદક મથકો કરાડ, સાંગલી અને કોલ્હાપુરમાં ગરમી વધતાં આવકો ઘટી રહી છે. મુંબઈ બજારમાં સાંગલીથી રોજની 50થી 80 ટન (પાંચ-આઠ ગાડી)ની આવક રહી છે. સાંગલીના ગોળમાં જાતવાર પ્રતિકિલો જથાબંધ ભાવ હાલ વધીને નીચાના રૂા. 32, મીડિયમના રૂા. 34 અને ઊંચામાં રૂા. 37 બોલાઈ રહ્યા છે.
સ્થાનિક એપીએમસી બજારમાં વિવિધ ક્વૉલિટીના પ્રતિકિલો જથાબંધ ભાવ નીચામાં 10 દિવસ અગાઉ રૂા. 37 હતા તે વધીને રૂા. 44, મીડિયમના રૂા. 39-40થી વધીને રૂા. 42-43 અને ઊંચામાં રૂા. 44થી વધીને રૂા. 47 થયા છે. અૉર્ગેનિકના ભાવ રૂા. 45થી વધીને રૂા. 48 થયા છે.
આગામી સમયમાં કરાડ અને કોલ્હાપુરની આવકો ગરમી વધવાની સાથે ઓછી થતી જશે. જોકે સાંગલીથી ઓછી-વધતી આવકો થતી રહે છે. ભાવમાં મંદીનું વલણ જણાતું નથી પરંતુ કિલોએ રૂા. બે-ચાર વધી શકે છે એમ સૂત્રોનું જણાવવું છે.
મહારાષ્ટ્રના સાંગલી, કરાડ અને કોલ્હાપુરમાં બનતો ગોળ સરેરાશ 30-35 ટકા શર્કરા ધરાવે છે. દેશમાં ગુજરાત, રાજસ્થાન અને મુંબઈ ગોળની મુખ્ય બજારો છે.
કોલ્હાપુર અને તેની આસપાસના વિસ્તારમાં રોજની કુલ 5000 કિલો શેરડીનું પિલાણ થાય છે. જોકે હવે મિલોને શેરડીનો માલ મળતો બંધ થયો છે તેથી હવે એકાદ સપ્તાહમાં પિલાણ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer