શૅરોમાં તેજીની આગેકૂચ જારી : સેન્સેક્ષ 268 પૉઇન્ટ વધ્યો

શૅરોમાં તેજીની આગેકૂચ જારી : સેન્સેક્ષ 268 પૉઇન્ટ વધ્યો
જોખમી અફરાતફરીના તબક્કામાં પ્રવેશતું બજાર

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે એશિયાની બજારોના મંદીતરફી ઝોક સાથે મિશ્ર વલણ છતાં રૂપિયો ડૉલર સામે 68.53ની 7 મહિનાની સૌથી મજબૂત સપાટીએ બંધ થવાથી સ્થાનિક શૅરબજારમાં સતત સાતમા સત્રમાં પણ તેજીની આગેકૂચ જારી રહી હતી. તેલ-ગૅસની આયાત સસ્તી થવા સાથે વ્યાપારખાધ ઘટવાના સંયોગો અને એફઆઈઆઈના સતત ઠલવાતાં નાણાંએ સ્થાનિક બજારને ઊંચું રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હોવાનું અનુમાન જાણકાર સૂત્રોએ વ્યકત કર્યું છે. અનિલ અંબાણી ગ્રુપનું રૂા. 455 કરોડનું દેવું મુકેશ અંબાણીએ ચૂકવવાનું જાહેર કરતાં એડાગ ગ્રુપના આરકોમ સહિતના શૅરો ઉછળી ગયા હતા.
આજે શરૂઆતથી એનએસઈ ખાતે નિફ્ટી અગાઉના બંધ 11462થી ઉપર 11500 ખૂલીને 11,451ના તળિયે અથડાઈને ઊંચામાં 11,053 સુધી ગયો હતો. જ્યાંથી લે-વેચ પછી સત્રના અંતે 70 પોઇન્ટ વધીને 11,532.40 બંધ હતો. બીએસઈ ખાતે સેન્સેક્ષ 268 પોઇન્ટ વધીને 38,364 બંધ રહ્યો હતો. નિફ્ટીના કુલ 34 શૅર વધ્યા હતા જ્યારે 15 શૅરના ભાવ દબાણમાં રહ્યા હતા. એનએસઈમાં ક્ષેત્રવાર ઇન્ડેક્સ જોતા વાહન ઇન્ડેક્સ 0.70 ટકા ઘટાડે હતો. જ્યારે સુધરનાર અન્ય તમામ સૂચકાંકમાં પીએસયુ બૅન્કેક્સ 2 ટકા, એફએમસીજી અને આઈટી 1 ટકા અને અન્ય તમામ ઇન્ડેક્સ ઓછાવત્તા સકારાત્મક બંધ રહ્યા હતા. આરઆઈએલ અને એક્સીસ બૅન્કના શૅરમાં વિક્રમી ઊંચાઈ આવી હતી.
વ્યક્તિગત શૅરમાં આરકોમ અને રિલાયન્સ ઇન્ફ્રા અનુક્રમે 10 અને 6 ટકા વધ્યા હતા. પીએફસી 6 ટકા વધ્યો હતો. માઇન ટ્રી 2 ટકા વધ્યો હતો. સતત સુધરતા બજારમાં એફઓડીઓમાં લેણની ઊંચાઈ વધવા છતાં વોલેટાલિટી ઇન્ડેક્સ ઊંચો જવાથી હવે બજારમાં હેવી વેઇટ શૅરોમાં ભાવ વધતો સ્પષ્ટ જણાય છે. મની કન્ટ્રોલના જણાવ્યા પ્રમાણે ચાર્ટની રીતે બજારમાં જોરદાર નફાતારવણીનો સમય ચાલી રહ્યો છે. નિફટીમાં ઉપરમાં 10,570 અને 10,620 પર પ્રતિકાર અને નીચેમાં 10,425-40 સપોર્ટની મહત્ત્વપૂર્ણ સપાટી ગણાય. આજે સ્મોલ કેપ અને મીડકેપ ઇન્ડેક્સ વધીને બંધ હતા.
આજે રૂપિયાની મજબૂતીને લીધે સુધરવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂા. 26, આઈટીસી રૂા. 5, તેલગૅસ ક્ષેત્રના શૅરો, એચપીસીએલ અને બીપીસીએલ અનુક્રમે રૂા. 4 અને રૂા. 2, ડૉ. રેડ્ડીસ રૂા. 39, એચડીએફસી બૅન્ક રૂા. 6 અને એચસીએલ ટેક્નૉલૉજી રૂા. 24, ઇન્ફોસીસમાં પ્રત્યાઘાતી રૂા. 12નો સુધારો હતો. ભારતી ઇન્ફ્રાટેલ રૂા. 10, કોટક બૅન્ક રૂા. 4, ઇન્ડસઇન્ડ રૂા. 6, એક્સીસ બૅન્ક રૂા. 9 અને એસબીઆઈ રૂા. 4 વધ્યા હતા. આજે સુધરતાં બજારમાં ઘટનાર મુખ્ય શૅરમાં મારુતિ સુઝુકી રૂા. 84, હીરો મોટર્સ રૂા. 55, આયશર મોટર્સ રૂા. 492, એલએન્ડટી રૂા. 21, જેએસડબ્લ્યુ સ્ટીલ રૂા. 6 અને બજાજ અૉટોમાં રૂા. 30નો ઘટાડો નોંધાયો હતો.
પ્રી-ઇલેક્શન રેલીમાં બજારમાં હવે ઓવરબોટ, પૉઝિશન ભારેખમ બની ચૂકી છે. આજે હેવી વેઇટ શૅરોનો ભાવસુધારો ધીમો પડવાથી બજારમાં જરૂરી કરેકશન તોળાઈ રહ્યાના સ્પષ્ટ સંકેત મળે છે. મજબૂત ફંડામેન્ટલ સિવાય અને માત્ર નિફ્ટી મૅનેજમેન્ટથી બજારની વધતી ઊંચાઈ જોખમી બનતી ગઈ હોવાનું અનુભવીઓ માને છે.
એશિયાનાં બજાર
અમેરિકાની ફેડ રિઝર્વની બેઠક સામે આજે એશિયન બજારમાં સાવધાનીનો મૂડ હતો. એશિયાનો મુખ્ય ઇન્ડેક્સ એમએલસીઆઈ બ્રોડેસ્ટ સ્થિર હતો. જપાન ખાતે નિક્કી અને અૉસ્ટ્રેલિયાના શૅરો પણ ઘટાડે હતા. જ્યારે માત્ર હેંગસેંગ ઇન્ડેક્સ 57 પોઇન્ટ વધ્યો હતો.
Published on: Wed, 20 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer