અનિલ અંબાણીએ હજી લાંબી લડત આપવાની છે

અનિલ અંબાણીએ હજી લાંબી લડત આપવાની છે
આવતા મહિને સરકારને રૂા.281 કરોડ ચૂકવવાના છે
મુંબઈ, તા.19 માર્ચ
રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરકોમ)એ સ્વિડિશ ટેલિકોમ કંપની એરિકસનને રૂા.547.86 કરોડનું દેવું તો ચૂકતે કરી દીધું પણ તેની સમસ્યાઓ હજી પૂરી થઈ નથી. અનિલ અંબાણીએ એરિકસનને ચૂકવવાના થતા રૂા.550 કરોડની ચૂકવણી મોટાભાઈ મુકેશે સોમવારે કરી હતી. આ માટે તેમના મોટાભાઈ મુકેશનો આભાર માનતા કહ્યું કે, હું મારા મોટાભાઈ મુકેશ અને નીતાનો આભારી છું, તેમણે કપરા સમયમાં મારી સાથે ઊભા રહીને કુટુંબના મૂલ્યોને સાચવ્યા છે. 
વર્ષ 2014માં એરિકસનની ભારતીય સબસિડીયરીએ આરકોમ સાથે સાત વર્ષના કરાર કર્યા હતા, જે અંતર્ગત એરિકસન આરકોમના નેટવર્કનું સંચાલન કરવાની હતી. ગયા વર્ષે આરકોમે બાકી દેવું ચૂકવતા નહીં હોવાથી તેમણે દાવો માડયો હતો. જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે અનિલ અંબાણી દેવું ચૂકવી શકે નહીં તો તેમણે ત્રણ મહિનાની જેલ થશે. 
અનિલ અંબાણી હસ્તકના રિલાયન્સ ગ્રુપનું કુલ દેવું રૂા.46,000 કરોડ છે. આરકોમે હજી ઘણા દેવા ચૂકવવાના બાકી છે, તેના લેણદારોમાં 40 સ્થાનિક કંપનીઓ અને વિદેશી બૅન્કો, સરકાર અને એક પબ્લિક રિલેશન કંપનીનો સમાવેશ છે. કંપનીએ આવતા મહિને સરકારને આવતા મહિને રૂા.281 કરોડ ચૂકવવાના છે, તે ભારત સરકારના ટેલિકોમ વિભાગને રૂા.21 કરોડ ચૂકવવામાં ડિફોલ્ટર બની છે. 
ગયા ડિસેમ્બરમાં અનિલ અંબાણીએ આરકોમના ટાવર, ફાઈબલ અને એરવેવ્સ અસ્ક્યામતોને રિલાયન્સ જિઓ ઈન્ફોકોમને વેચવા કાઢ્યા પરંતુ ટેલિકોમ વિભાગના વિરોધને લીધે આ સોદો થઈ શક્યો નહોતો. 
આરકોમે ગઈ કાલે એરિકસનને ચૂકવણી કરી હોવાની જાહેરાત સાથે આરકોમનો રિલાયન્સ જિઓ સાથેનો સોદો રદ થયો હોવાનું પણ કહ્યું હતું. જો આ સોદો થયો હોત તો અનિલ અંબાણીને 2.4 અબજ ડૉલર મળ્યા હોત. 
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer