નોટબંધીમાં બદનામ થયેલી કો-અૉપરેટિવ બૅન્કો પર ચૂંટણીમાં

ઇન્કમ ટૅક્સ વિભાગની બાજનજર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : નોટબંધી વખતે કો-અૉપરેટિવ બૅન્કો અને કો-અૉપરેટિવ સોસાયટીના વ્યવહારોએ શંકા જન્માવી હતી એટલે લોકસભાની ચૂંટણીમાં ઇન્કમ ટૅક્સ વિભાગે કો-અૉપરેટિવ બૅન્કો અને સોસાયટીના વ્યવહારો પર ચાંપતી નજર રાખવાનો ફેંસલો કર્યો છે.
ઇન્કમ ટૅકસ વિભાગે હવાલા સોદા તથા કાયદેસર અને ગેરકાયદે રીતે થતા વ્યવહારોને પકડવાની જવાબદારી 200 આઈટી અધિકારીઓ, છ ક્વિક રિસ્પોન્સ ટીમ અને ચાર ઍર ઇન્ટેલિજન્સ યુનિટને સોંપી છે.
ઇન્કમ ટૅક્સના મુંબઈ ખાતેના ડિરેકટર જનરલ (ઇન્વેસ્ટિગેશન) કે. કે. વ્યવહારેએ કહ્યું હતું કે 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ફેર છે. જે લોકો બે નંબરી પૈસાના વ્યવહારો કરે છે તેઓ બહુ સ્માર્ટ બની ગયા છે. કો-અૉપરેટિવ બૅન્કોના શંકાસ્પદ વ્યવહારો પર અમે ખાસ નજર રાખી રહ્યા છીએ.
જોકે, 2014ની ચૂંટણીમાં ઇન્કમ ટૅક્સની કામગીરી બહુ કંગાળ રહી હતી. કાળાં નાણાં વિશે જે ગુપ્ત માહિતી મળી હતી તેનો બહુ ફાયદો થયો નહોતો. મુંબઈમાં રોકડની હેરાફેરીની 100 ગુપ્ત બાતમી મળી હતી, પણ કોઈ રોકડ ઇન્કમ ટૅક્સ વિભાગ જપ્ત કરી શકયું નહોતું. એટલે આ વખતે ઇન્કમ ટૅકસે લોકોને રોકડની હેરફેરની માહિતી આપવાની અપીલ કરી છે અને એ માટે ટોલ ફ્રી નંબર 1800221510 પણ ચાલુ કર્યો છે. એ ઉપરાંત લેન્ડલાઈન નંબર 022-22820562 ઉપર પણ લોકો સંપર્ક કરી શકે છે. આ ફોન 24 કલાક કામ કરશે.
જપ્તીની રકમ જો દસ લાખ કરતાં વધુ હશે તો એ બાતમી આપનારને ઇનામ પણ ઇન્કમ ટૅક્સ વિભાગ આ વખતે આપશે. કે. કે. વ્યવહારેએ કહ્યું હતું કે ગઈ ચૂંટણીમાં રોકડ જપ્ત ન થઈ શકી એ માટેનાં કારણો પણ છે. મોટા ભાગના કેસોમાં જે બાતમી મળી હતી એ બહુ સ્પષ્ટ નહોતી. અમે એ બાતમીના આધારે રોકડ જપ્ત કરવા ગોળ-ગોળ ફરતા રહ્યા હતા, પણ કંઈ હાથ લાગ્યું નહોતું. આ વખતે ઇનામ માટે ધોરણો નક્કી કરાયાં છે અને એ માટે એક ફૉર્મ ભરવું પણ જરૂરી છે. જોકે, લોકો ઇનામ માટે ગુપ્ત બાતમી આપતા નથી.
આ વખતે ગયા વખત જેવું ન થાય એ માટે ઇન્કમ ટૅક્સ વિભાગે તેની ઇન્ટેલિજન્સ અને મોનિટરિંગ યંત્રણાને એકદમ મજબૂત બનાવી છે. ત્રણ સ્તરની આ યંત્રણાની ઉપર એક નોડલ અૉફિસરને મૂકવામાં આવ્યો છે. આ અૉફિસર ચૂંટણી પંચનાં ધારાધોરણ પ્રમાણે ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નજર રાખશે. એકસપેન્ડિચર અૉફિસર અને છ સબ-નોડલ અૉફિસરોને દરેક મતક્ષેત્રમાં ફરજ પર મૂકવામાં આવ્યા છે.
ક્વિક રિસ્પોન્સ ટીમ અને ઍર ઇન્ટેલિજન્સ યુનિટને એવી મહત્ત્વની જગ્યાએ ગોઠવવામાં આવી છે કે ઉમેદવાર કે રાજકીય પક્ષના કાળાં નાણાંની હેરફેરની ગુપ્ત માહિતી મળે એના એક કલાકની અંદર એ છાપો મારી શકે.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer