કચ્છી નાણાં દલાલોએ જેમની પાસે રૂપિયા રોક્યા છે

તેમણે પણ હવે હાથ ઊંચા કરી દીધા
કવીઓ સમાજના કચ્છી સહિયારું અભિયાન પર નવી જવાબદારી આવી પડી
કનૈયાલાલ જોશી તરફથી
મુંબઈ, તા. 19 : કચ્છી વીસા ઓશવાળ સમાજને મુઠ્ઠીભર નાણાં દલાલોએ આર્થિક મુશ્કેલીમાં ધકેલી દીધા છે. જે નાણાં દલાલો કવીઓ જ્ઞાતિના જ છે, પરંતુ બીજી બાજુ આ નાણાં દલાલોએ જેમને ત્યાં બીજાના પૈસા રોક્યા હતા એ લોકો પણ પૈસા પાછા આપવાની આનાકાની કરે છે એનું શું?
કચ્છી જૈન ફાઉન્ડેશન પ્રેરિત કચ્છી વીસા ઓશવાળ જૈન મહાજન રચિત કચ્છી સહિયારું અભિયાન આમ તો નાણાં દલાલો પાસેથી ફસાયેલાં નાણાં કઢાવવાની કોશિશ કરે છે. એ માટે નાણાં દલાલ અને લેણદારોની સંયુક્ત બેઠકો યોજે છે એ સાથે સાથે હવે નાણાં દલાલોએ રોકેલા પૈસા કઢાવવાની જવાબદારી પણ આવી પડી છે અને આવા સપડાયેલા બ્રોકરોની સંખ્યા 70 જેટલી થવા જાય છે જે સંખ્યા અભિયાનને હાલમાં મળી છે જે આંક વધી પણ શકે છે.
સમાજમાં સૌ પહેલાં હાથ ઊંચા કરી દેવા માટે જેનું નામ ચમક્યું હતું એ નાણાં દલાલ ડૂબી ગયો છે એવી ખબર પડતાં તેની પાસેથી નાણાં લેનારા પૈસા પાછા આપવાની આનાકાની કરવા લાગ્યા. આ તો પડતાને પાટુ મારવા જેવું થયું! આ મોટા બ્રોકર પાસેથી ધિરાણ લેનાર પાર્ટીની સંખ્યા 30-40 જેટલી છે.
હંમેશાં નાણાં દલાલની વિરુદ્ધમાં લોકો બેફામ બોલતા હોય, પણ આ બ્રોકરોના ખોટા થતા પૈસા પાછા આવે તો એ લેણદારોને પાછા આપી શકે ને? આમાં ટકાવારી ભલે ઓછી હોય. કચ્છી સહિયારું અભિયાને હાલમાં આ કામગીરી હાથમાં લીધી છે. પોતાની સાયન ખાતેની અૉફિસમાં પાર્ટી અને લેણદારોને બોલાવીને સમજાવટથી મામલો પતાવવાની કોશિશ કરે છે. અભિયાનનું માનવું છે કે, આવા પૈસા પણ પાછા આવશે જ.
અભિયાનના કર્તાહર્તાઓની થોડી હિંમત વધી છે, કારણ કે નાની નાની રકમ પણ પાછી આવવા લાગે તો નાના રોકાણકારોને થોડી રાહત આપી શકાય. કેટલાક દેવાદારો પાસે પૈસાની માગણી કરવા જતા નાના લેણદારોને ગાળો સાંભળવા મળતી હતી. આવો એક કેસ પણ ઉકેલાયો છે. અભિયાનની જવાબદારી અને કામગીરી વધી છે અને કાર્યકર્તાઓ તો છે એટલા જ છે એટલે ટીમો બનાવીને કામગીરી વહેંચી લીધી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer