હોળી-ધુળેટી બાદ ગુજરાતમાં ભાજપ પ્રચારનું ફૂંકશે રણશિંગું

પોરબંદર લોકસભા બેઠક પર વિઠ્ઠલ રાદડિયાના સ્થાને પુત્ર લલિતને ટિકિટ મળી શકે છે
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19 : લોકસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે તમામ 26 બેઠકો માટેના દાવેદારોની સૂચિ તૈયાર કરી લીધી છે. આ દાવેદારોની યાદી હાઇ કમાન્ડને સોંપવામાં આવશે જ્યાં ઉમેદવારોનાં નામ પર અંતિમ મહોર લાગશે. તો બીજી તરફ હોળી-ધુળેટી પછી ભાજપ સંપર્ક અભિયાન સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. આ અભિયાન માટેની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ અભિયાનમાં ગુજરાતના નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવશે જેમાં કેન્દ્ર અને રાજ્યની યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10થી વધુ સભાઓ ગજવી શકે છે. આ સાથે વડા પ્રધાન મોદીના રોડ-શો માટેનું પણ આયોજન થઇ રહ્યુ ંછે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી, સ્મૃતિ ઇરાની સહિતના પ્રધાનો પણ સભાઓ ગજવી શકે છે. અન્ય રાજ્યોના આગેવાનોને ચૂંટણી માટે સંગઠનાત્મક જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે છે.  સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ સભાઓ પણ સંબોધી શકે છે. 
દરમિયાન સતત ત્રણ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 બેઠકો માટે મંથન પૂરું કર્યુ છે. મુખ્ય પ્રધાન નિવાસસ્થાને મળેલી ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં ત્રણ તબક્કામાં આ અંગે ચર્ચા થઇ છે. જેમાં પહેલા તબક્કામાં વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, આણંદ, સુરત, બારડોલી, નવસારી અને વલસાડ બેઠક માટે ઉમેદવારોનાં નામ પર ચર્ચા થઇ હતી. જ્યારે બીજા દિવસે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વ બેઠક માટે ઉમેદવારોનાં નામ પર ચર્ચા થઇ હતી અને ત્રીજા દિવસે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને કચ્છ બેઠકના ઉમેદવારોનાં નામ પર ચર્ચા થઇ હતી. 
જ્યારે પોરબંદર લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડિયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ ચૂંટણી નહીં લડે, જેમના સ્થાને તેમના પુત્ર લલિત રાદડિયાને ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત જશુમતિબેન કોરાટ અને મનસુખ ખાચરિયાનાં નામનો પેનલમાં સમાવેશ કરાયો છે. 
અંતિમ તબક્કામાં જૂનાગઢ લોકસભા બેઠક પર ચર્ચા થઇ હતી, જેમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સહિત ત્રણ નામ સ્પર્ધામાં છે. જી.પી.કાઠી, ભગવાન કરગઢિયા, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાનીનાં નામો પણ પેનલમાં છે. 
દરમિયાન ભાજપના દિગ્ગજ અને વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી આ વખતે ચૂંટણી લડવાના નહીં હોવાથી તેમની ખાલી પડેલી ગાંધીનગરની બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરની બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. કારણ કે રાષ્ટ્રીય પ્રમુખ હોવાને નાતે તેમને ભાજપને ચૂંટણી લડાવવા અને જીતાડવાની ખૂબ મોટી જવાબદારી નિભાવવાની છે ત્યારે તેઓ પોતે જ ચૂંટણી લડવામાં વ્યસ્ત બની જાય તો તેની સાર્વત્રિક રાજકીય અસર થશે અને ભાજપને નુકસાન થવાનો સંભવ છે. આ સંજોગોમાં ગાંધીનગરની બેઠક પરથી કોઈ મજબૂત પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી શકે છે. જેમાં ઔડાના ભૂતપૂર્વ ચેરમેન ભૂપેન્દ્ર પટેલ તથા મહેસૂલ પ્રધાન કૌશિક પટેલનું નામ જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer