ગોદરેજ બાગના બિલ્ડિંગ માટે પારસી પંચાયતને લિલામીની નોટિસ

મુંબઈ, તા. 19 : મુંબઈ મહાપાલિકાએ બૉમ્બે પારસી પંચાયતને ચેતવણી આપી હતી કે 1.8 કરોડ રૂપિયાનો સંપત્તિ વેરો ચૂકવવામાં નહીં આવે તો નેપયન્સી રોડ પરની ગોદરેજ બાગમાં હાઉસિંગ કૉલોનીનું બાંધકામ અટકી પડયું છે એ બિલ્ડિંગની લિલામી કરવામાં આવશે. શહેરના મોટા જમીનમાલિકોમાંના એક અને પારસી પંચાયતના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ વિવાદના ઉકેલ માટે મંગળવારે પંચાયતની બેઠક મળી હતી.
પંચાયતના ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ કહ્યું હતું કે પારસી પંચાયત હાલમાં નાણાકીય તંગીમાં હોવા છતાં અમે પાલિકાને મોટા ભાગનો વેરો તો ભરી દીધો છે. હવે બાકીની રકમ કઇ રીતે અને કેટલા સમયમાં ભરવી તેની ચર્ચા અમે પાલિકાના અધિકારીઓ સાથે કરવા માગીએ છીએ.
ગોદરેજ બાગની આ 16 માળની બિલ્ડિંગમાં 70 ફ્લૅટ બાંધવાના હતા અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમો પ્રમાણે લગભગ છ વર્ષ અગાઉ તેનું બાંધકામ અટકાવાયું હતું. ગોદરેજ બાગમાં રહેતા વિરાફ કાપડિયાએ જણાવ્યું હતું કે ગોદરેજ બાગ પારસી કૉલોની છે. જો આ બિલ્ડિંગ અન્ય કોઇ બીલ્ડરને લિલામ કરવામાં આવશે તો પારસીઓની આ કૉલોનીમાં અન્ય સમુદાયના લોકો માટે પણ ફ્લૅટ ખરીદવાનો માર્ગ ખૂલશે.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer