બારડના ધારાસભ્યપદેથી સસ્પેન્શન અંગે હાઈ કોર્ટે ચૂંટણી પંચને આપી નોટિસ

તલાલા બેઠક પર પેટાચૂંટણી કેમ જાહેર કરી? : હાઈ કોર્ટે પંચ પાસે માગ્યો જવાબ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19: તલાલાના કૉંગ્રેસના ભગવાન બારડને ધારાસભ્યપદેથી વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કરવાના મામલે આજે ગુજરાત હાઇ કોર્ટમાં થયેલી ધારદાર દલીલો બાદ હાઇ કોર્ટે ભારતના ચૂંટણી પંચને નોટિસ આપી છે. સાથે તલાલા બેઠક પર પેટા ચૂંટણી કેમ જાહેર કરી તે અંગે ચૂંટણી પંચનો હાઇ કોર્ટે જવાબ માગ્યો છે. આ મામલે હવે 25 માર્ચે વધુ સુનાવણી હાથ ધરાશે ત્યારે ચૂંટણી પંચ પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરશે. 
રાજ્ય સરકાર તરફથી ઍડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને એડિશનલ ઍડવોકેટ જનરલ પ્રકાશ જાનીએ રજૂઆત કરી હતી કે, સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં લીલી થોમસ વિરુદ્ધ ભારતીય સંઘના કેસમાં ચુકાદો આપી લોક પ્રતિનિધિત્વ ધારામાં કેટલાક ફેરફાર કર્યા હતા જેના અનુસંધાને વર્ષ 2015માં ચૂંટણી પંચે નિયમ બહાર પાડયો હતો કે કોઇપણ સાંસદ કે ધારાસભ્ય ફોજદારી કેસમાં દોષિત સાબિત થાય અને તેને સજા ફટકારવામાં આવે તો સાંસદ કે ધારાસભ્ય આપોઆપ લોકપ્રતિનિધિ તરીકે ગેરલાયક ઠરે છે અને તેની બેઠક આપોઆપ ખાલી બને છે.  ભગવાન બારડના કિસ્સામાં પણ તેમને 1લી માર્ચના રોજ સુત્રાપાડાની મેજિસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠરાવ્યા હતા તેથી તેમની બેઠક 1લી માર્ચથી જ ખાલી પડી છે તેવું કાયદા મુજબ કહી શકાય. વિધાનસભા સ્પીકરે ભલે તેમને સસ્પેન્ડ ન કર્યા પરંતુ તેઓ કાયદા મુજબ આપમેળે સસ્પેન્ડ થયા છે. વિધાનસભા સ્પીકરે તો ભગા બારડ સસ્પેન્ડ જાહેર થયા છે તેવું નોટિફિકેશન માત્ર બહાર પાડયું છે. તેથી આ સમગ્ર ચિત્રમાં સ્પીકર કે રાજ્યપાલની કોઇ ભૂમિકા નથી. 
રાજ્ય સરકારની રજૂઆત હતી કે, ધારાસભ્ય બારડે વેરાવળની સેશન્સ કોર્ટમાં અપીલ કરી સ્ટે મેળવ્યો હતો પરંતુ આ સ્ટે સજા સામેનો સ્ટે નથી પરંતુ સજાની અમલવારી સામેનો સ્ટે હતો. ભગા બારડ દોષિત સાબિત થતાં ચૂંટણી પંચે તે બેઠકને પેટા ચૂંટણીને પાત્ર ગણી છે. ઉપરાંત ગુજરાતમાં માણાવદર, ઊંઝા, જામનગર ગ્રામ્ય અને ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની હોવાથી ચૂંટણી પંચે સાથોસાથ તલાલા બેઠક પર પણ ચૂંટણી જાહેર કરી છે. 
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer