વેપારીઓએ ઠેર-ઠેર કરી ચીની માલની હોળી

વેપારીઓએ ઠેર-ઠેર કરી ચીની માલની હોળી
મસ્જિદ બંદર અને નવી મુંબઈમાં કરાયો વિરોધ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : હાલમાં જ ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી ઘોષિત કરવાના ઠરાવને વિટો વાપરીને અટકાવ્યો એના વિરોધમાં કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ની અપીલને માન આપીને દેશભરનાં વેપારી સંગઠનોએ 1500થી વધારે સ્થાનો પર ચીની વસ્તુઓની હોળી કરી હતી. કૈટના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે વેપારીઓ દેશની અર્થવ્યવસ્થાના ચોકીદાર છે અને આ દૃષ્ટિએ જે પણ દેશ ભારતની સુરક્ષાની વિરુદ્ધમાં જશે તો વેપારી એ દેશના સામાનનો બહિષ્કાર કરશે.
મસ્જિદ બંદરના ભાત બજારમાં ફુવારા ચોક પર હજારો વેપારીઓ, નાના ઉદ્યમીઓ, ફેરિયાઓ અને ગ્રાહકોએ ચીની સામાનનો ઢગલો કરીને એની હોળી કરી હતી. વેપારીઓએ નારા લગાડીને ચીનને ચેતવણી આપી હતી કે જો તે પાકિસ્તાનને મદદ કરવાનું બંધ નહીં કરે તો ભારતના વેપારીઓ ચીનને બજારમાંથી હાંકી કાઢશે. `પાક સમર્થક ચીન કો સબક - ચીની સામાન કા બહિષ્કાર', `ચીન સે બને સામાન કો ખરીદના યા બેચના - અપને જવાનો કા ઉત્સાહ કમ કરના.' `ચીની સામાન કા બહિષ્કાર તોડેગા ચીન કી આર્થિક કમર' વગેરે લખાણવાળા પોસ્ટર વેપારીઓના હાથમાં હતા.
કૈટના નેશનલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય શંકર ઠક્કરે કહ્યું હતું કે ચીને પાકિસ્તાનને સમર્થન આપ્યું એનાથી દેશના વેપારીઓ નારાજ છે. સરકારે ચીનને પાઠ ભણાવવા તેના પર આર્થિક પ્રતિબંધ મૂકવા જોઈએ. ચીનના આયાતી સામાનમાં ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ, હાર્ડવેર, કાચો માલ, વીજળીના સામાન અને રોજબરોજની વસ્તુઓ છે.
આ વસ્તુઓને દેશમાં પણ બનાવી શકાય છે. ચીની વસ્તુઓ પર 300થી 500 ટકા ડયૂટી લગાડવી જોઈએ.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer