મુંબઈ સૂતું હતું ત્યારે 80-80 ટનના છ ગર્ડર ગોઠવવામાં આવ્યા

મુંબઈ સૂતું હતું ત્યારે 80-80 ટનના છ ગર્ડર ગોઠવવામાં આવ્યા
બીકેસીથી ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે સુધીનો એલિવેટેડ રોડ જુલાઈમાં તૈયાર થઈ જશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સથી ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે સુધીનો એલિવેટેડ રોડ (ઉન્નત માર્ગ)નું કામ પુરજોશમાં ચાલુ છે. રવિવાર, સોમવાર અને મંગળવારે મધરાત બાદ 80-80 ટનના છ મહત્ત્વના ગર્ડર ગોઠવવામાં આવ્યા હતા. આને લીધે મુંબઈ મૅટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ) મીઠી નદી પર પુલ તથા સાયન અને ચુનાભઠ્ઠી સ્ટેશન નજીક પાટા પર ઓવરબ્રિજ બાંધી શકશે.
એમએમઆરડીએના પ્રવક્તાએ કહ્યું હતું કે ત્રણ અૉપરેશનમાં આ છ ગર્ડર ગોઠવવામાં આવ્યા હતા. આ 53 મીટર લાંબા ગર્ડર હતા અને દરેક અૉપરેશનમાં બે-બે ગર્ડર ચડાવવામાં આવ્યા હતા. 600 મેટ્રિક ટનની ખાસ ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 21 એન્જિનિયર્સ, રેલવેના બે અધિકારી અને 80 વર્કરોએ આ વિકટ કામ પાર પાડયું હતું.
1.6 કિલોમીટર લાંબો આ એલિવેટેડ રોડ ચાર લેનનો હશે. આ નવા રોડને કારણે સાયન-ધારાવી એરિયામાં ટ્રાફિકની જે અવ્યવસ્થા થાય છે તે દૂર થશે. ત્રણેક કિલોમીટરનો પ્રવાસ બચશે અને 30 મિનિટમાં ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે પહોંચી શકાશે. જુલાઈમાં આ એલિવેટેડ રોડ તૈયાર થઈ જવાની શક્યતા છે.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer