હવે ખાઉગલીઓમાં ટેસથી લિજ્જત માણી શકાશે

હવે ખાઉગલીઓમાં ટેસથી લિજ્જત માણી શકાશે
જુહુ અને ગિરગામ ચોપાટીની ફૉર્મ્યુલા બધે જ લાગુ થશે
મુંબઈ, તા. 19  : ગિરગામ અને જુહુ ચોપાટી પરના ફૂડ સ્ટૉલ્સને અન્ન અને ઔષધ પ્રશાસન (એફડીએ)એ એકદમ આકરા નિયમો હેઠળ પરવાનગી આપી છે. તે જ પાર્શ્વભૂમિ પર હવે મુંબઈની બધી જ ખાઉગલીઓને નિયમોનુ પાલન કરવું પડશે. હવે મુંબઈના રસ્તાઓ પર સ્વાસ્થ્યવર્ધક ખાવાનું મળશે એટલે મુંબઈગરા બિન્દાસ રોડ પર મજેદાર ખાદ્યપદાર્થોનો સ્વાદ માણી શકશે. ગિરગાંવ અને જુહુ ચોપાટી પરના ફૂડ સ્ટૉલ્સને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ અૉથોરિટી (એફએસએસઆઈ)ના નિયમ મુજબ પરવાનગી આપવામાં આવી હતી તે નિયમોનું પાલન મુંબઈની બીજી ખાઉગલીઓના સ્ટૉલમાલિકોએ પણ કરવું પડશે.
પાલિકા હૉકર્સ પૉલિસીમાં ખાઉગલી માટે અનામત જગ્યા છે. મુંબઈમાં વ્યાવસાયિક પરિસરની ગલીઓમાં અને રહેવાસી વિસ્તારમાં અનેક ખાઉગલીઓ છે. તે મુજબ આરક્ષણનું નિયોજન કરવામાં આવશે. નવા નિયમ મુજબ બધા ફેરિયાઓને લાઇસન્સ આપવું-લેવું બંધનકારક છે. પરિસરમાં સ્વચ્છતાના નિયમોનું પણ પાલન કરવું પડશે. પાલિકાએ પસંદગી કરેલી ખાઉગલીઓના વિક્રેતાઓને એફડીએનું લાઇસન્સ લેવું આવશ્યક છે. તેમ જ ખાદ્યપદાર્થો બનાવતી વખતે એફએસએસઆઈના નિયમોનું પાલન કરવું પડશે. વિક્રેતાઓ માટે આરોગ્યવર્ધક પદાર્થ બનાવવા માટેની પદ્ધતિ પણ તૈયાર કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 
ખાઉગલીઓમાં દર ત્રણ મહિને સ્વચ્છતા અને આરોગ્યની દૃષ્ટિએ અૉડિટ થશે. તેમાં નિયમોનું પાલન ન કરનારા વિક્રેતાઓને નોટિસ આપવામાં આવશે અને જરૂર હશે તો દંડ પણ ફટકારવામાં આવશે તેમ જ લાઇસન્સ રદ કરવા સુધીની પ્રક્રિયા થઈ શકે છે.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer