ફુગ્ગા ફેંકનારાઓને જામીન નહીં મળે

ફુગ્ગા ફેંકનારાઓને જામીન નહીં મળે
મુંબઈ, તા. 19 : `બુરા ન માનો હોલી હૈ...' કહીને શરીર પર રંગ છાંટનારા તથા રંગ ભરેલા કે પાણી ભરેલા ફુગ્ગા ફેંકનારાઓને સબક શીખવાડવા પોલીસ આયુક્તાલયે વ્યૂહરચના તૈયાર કરી છે. અનેક લોકોની બિલકુલ ઇચ્છા ન હોવા છતાં તેનાં મોઢાં અથવા શરીર રંગથી ભરી દેનારા અથવા રંગભરેલા ફુગ્ગા રસ્તે પસાર થતા લોકો પર ફેંકનારાઓ વિરુદ્ધ બિનજામીનપાત્ર ગુનો દાખલ કરીને તેમની અટક કરવામાં આવશે. આવો સ્પષ્ટ આદેશ પોલીસ આયુક્તાલયે શહેરનાં દરેક પોલીસ સ્ટેશનને આપી દીધો છે.
હોળી-ધુળેટીનું નિમિત્ત સાધીને રાહદારીઓ અને ખાસ કરીને મહિલાઓ-યુવતીઓ પર છુપાઈને રંગ કે ફુગ્ગા ફેંકવામાં આવે છે. દોડતી ટ્રેન પર ફુગ્ગા મારવામાં આવતાં ફુગ્ગાનો ફટકો વાગતાં મહિલાઓ જખમી થઈ હોવાના બનાવ અગાઉ પણ બન્યા છે. ઉત્સાહના અતિરેકમાં અનેક લોકોની ધાર્મિક ભાવના દુભાતાં વિખવાદ થયાના કે ઝઘડો-મારામારી થયાના બનાવો પણ બન્યા છે.
કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન, બે જૂથ વચ્ચે વિખવાદ, ટંટોફિસાદ કે મહિલાઓની છેડછાડ વગેરે જેવા બનાવોનો પ્રશ્ન ન ઉદ્ભવતાં હોળી-ધુળેટીનો તહેવાર રંગેચંગે અને ઉત્સાહથી પાર પડે એ માટે જ પોલીસ આયુક્તાલયે આવો આદેશ બહાર પાડયો છે. એ આદેશ મુજબ વ્યક્તિ ઓળખીતી હોય કે ન હોય, તેની ઇચ્છા વિરુદ્ધ તેના પર રંગ ચોપડયો કે ફુગ્ગો માર્યો એ ગુનો ગણાય છે. આવા બનાવોને ટાળવા માટે જ મહારાષ્ટ્ર પોલીસ કાયદાની કલમ 188 મુજબ સંબંધિત વ્યક્તિ પર ગુનો નોંધવો એવી સૂચના દરેક પોલીસ સ્ટેશનને અપાઈ છે. જાહેર જગ્યાએ ધાર્મિક ભાવના દુભાવાય એવું કોઈ પણ કાર્ય ન કરવું. સૂત્રોચ્ચાર કે કોઈની વિરુદ્ધ ટિપ્પણી ન કરવી કે બીભત્સ ગીતો ન ગાવાં. દરેક વ્યક્તિએ પ્રતિષ્ઠાનું અને નૈતિકતાનું ભાન રાખીને તહેવાર ઊજવવો. તહેવારનું નિમિત્ત સાધીને કોઈ વ્યક્તિ પર કલર-કે ફુગ્ગા ન મારવા, અન્યથા જેલની હવા ખાવી પડશે એવું પોલીસ પ્રવક્તા મંજુનાથ સિંહે જણાવ્યું છે.
Published on: Wed, 20 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer