જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય

જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય
બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ માટે વેરાના બે દર નક્કી કરવાનો બીલ્ડરોને વિકલ્પ

નવી દિલ્હી, તા.19 (પીટીઆઈ) : બાંધકામ હેઠળના નિવાસી પ્રોજેક્ટ્સ હેઠળ બીલ્ડર્સ હવે બે વિવિધ ટૅક્સ રેટમાંથી કોઈ પણ એકની પસંદગી કરી શકશે એવો નિર્ણય ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલની મંગળવારે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. નવા ઘટાડેલા વેરાનો અમલ આગામી પહેલી એપ્રિલથી થશે. 
આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં બીલ્ડર્સને બે વેરાના વિકલ્પ આપવામાં આવ્યા હતા. તે અનુસાર બીલ્ડર્સ જો ઈનપુટ ટૅક્સ ક્રેડિટ (આઈટીસી)ની સુવિધા લેવા માગતા હોય તો 12 ટકા અને  આઈટીસી વગર પાંચ ટકાનો ટૅક્સ પસંદ કરી શકશે. એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે ટૅક્સ રિબેટ સાથે આઠ ટકા અને ટૅક્સ રિબેટ વગર એક ટકા જીએસટીનો વિકલ્પ પણ સરકારે બીલ્ડર્સને અૉફર કર્યો હોવાનું મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ આજે જણાવ્યું હતું. 
એક એપ્રિલના રોજ જે ઈમારતોનું બાંધકામ પૂરું થયું નથી. તેમને વેરા દરની પસંદગી નિર્ધારિત સમયમાં કરવી પડશે અને ત્યારબાદ તેને માન્યતા આપવામાં આવશે, એમ પાંડેએ જણાવ્યું હતું. નવા પ્રોજેક્ટ્સ જે એક એપ્રિલથી શરૂ થવાના છે, તેના ટૅક્સ રેટનો અમલ તાત્કાલિક થશે. 
આ નવી વેરા પ્રણાલીના અમલ માટે બાંધકામ હેઠળના ઘરો ઉપર કેટલો વેરો લાગુ થશે તેની સ્પષ્ટતા આજની બેઠક દ્વારા થઈ હતી. 
જીએસટી કાઉન્સિલે ગત 24 ફેબ્રુઆરીએ બાંધકામ હેઠળના નિવાસી ઘરોની મિલકત ઉપર જીએસટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જેમાં આઈટીના લાભ વગર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા અને એફોર્ડેબલ ઘરો માટે વેરો આઠ ટકાથી ઘટાડીને એક ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો.
Published on: Wed, 20 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer