નરેન્દ્ર મોદી જ વડા પ્રધાન : ગડકરી

નરેન્દ્ર મોદી જ વડા પ્રધાન : ગડકરી
નવી દિલ્હી, તા. 20 : ભાજપમાં એવી કોઈ `220 ક્લબ' નથી, જે એવું માનતી હોય કે લોકસભાની ચૂંટણીમાં પક્ષની બેઠકો થોડીઘણી ઘટે તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિકલ્પ ઊભરી શકે છે. આ કેવળ મીડિયાનાં વર્તુળોની અટકળો જ છે એમ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપને બહુમતી માટે થોડીક બેઠકો ઓછી પડે તો પક્ષમાં વડા પ્રધાનના પદ માટે ગડકરીનો ચહેરો `સર્વસ્વીકૃત' થશે એવી વાતોને કેવળ અટકળો ગણાવી કેન્દ્રીય પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ તેમનો પક્ષ સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવશે.
`આવું ખરેખર કંઈ જ નથી. લખનારા તો મન ફાવે તે લખ્યા કરશે. હું આવી જાતની કોઈ ગણતરીઓ કરતો નથી કે આશા રાખતો નથી. હું પક્ષનો એક સમર્પિત કાર્યકર છું અને મને ખાતરી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલાં કાર્યો `સંપૂર્ણ બહુમતી'માં પરિણમશે તેથી એવી કોઈ સ્થિતિ જ નહીં ઉદ્ભવે' એમ જણાવતાં આરએસએસની નજદીક મનાતા નેતાએ ઉમેર્યું હતું કે `આપણાં વાયુ દળોએ કરેલી એર સ્ટ્રાઈકની કામગીરી તેમ જ રામમંદિર જેવા મુદ્દે રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે એ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.'
દરમિયાન એક પ્રશ્નના જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું કે `છેલ્લાં 50 વર્ષમાં જે કંઈ થયું તેના કરતાં ઘણું વધારે અમે પાંચ વર્ષના શાસનમાં કર્યું છે. અમે 100 કરતાં વધુ ઍરપોર્ટ બનાવ્યા, રેલવેએ 12000 કિ.મી.નું બ્રોડ ગેજનું કામ ઉમેર્યું અથવા પૂર્ણ કર્યું. અમે નેશનલ હાઈવેઝનું 40,000 કિ.મી. સુધીનું નિર્માણ-વિસ્તરણ કર્યું તેમ જ બીજા 40,000 કિ.મી.નો વિકાસ કર્યો. કેવળ દિલ્હીની આસપાસ સરકારે રોડ ડેવલપમેન્ટ માટે રૂા. 50000 કરોડથી વધુ ખર્ચ્યા છે.
હાઈવે અને શિપિંગ ક્ષેત્રે કુલ રૂા. 16 લાખ કરોડનું રોકાણ કરાયું છે તો વધુ રૂા. એક લાખ કરોડ જળ સ્રોતો અને ગંગાનો કાયાકલ્પ કરવા માટે રોકવામાં આવ્યા છે. સરકારે અનાજના લઘુતમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ગરીબોને એલપીજી જોડાણો પૂરાં પાડયાં છે. ખેડૂતોને સીધી કૅશ ટ્રાન્સફર કરી અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે સરકારી યોજનાઓના ફાયદા પહોંચાડવામાં અમે કોઈ ભેદભાવ નથી રાખ્યો, જેને ખરા અર્થમાં `સબ કા સાથ સબ કા વિકાસ' કહી શકાય.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer