કાંદાના ભાવ પડતર કરતાં ઓછા, ખેડૂતોની મુશ્કેલી વધી

કાંદાના ભાવ પડતર કરતાં ઓછા, ખેડૂતોની મુશ્કેલી વધી
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 21 :  કાંદાના ભાવ ગ્રાહકો કરતા ખેડૂતોને વધારે રડાવે છે. અગાઉ બે વર્ષ મંદીના અને એક વર્ષ તેજીનું એ રીતે તેજી-મંદીની સાઇકલ ચાલતી હતી પરંતુ હવે પેટર્ન જ સાવ બદલાઇ ગઇ હોય એમ લગાતાર ત્રણ વર્ષથી ખેડૂતોને કાંદાના ભાવ ઉત્પાદન પડતર કરતાય નીચાં મળતા રડવાનો વખત આવ્યો છે. ગયા વર્ષે ય આજ સ્થિતિ હતી ત્યારે ફરી એવા જ સંજોગોનું પુનરાવર્તન થયું છે.
વરસાદ અને વાવેતર ઓછાં થતા આ વર્ષે કાંદાના પોસાણક્ષમ ભાવ મળશે એમ લાગતું હતું પણ ધારણા ખોટી ઠરી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં પણ ચોમાસું કાંદાનું બમ્પર ઉત્પાદન મંદી વકરાવી રહ્યું છે. હવે શિયાળુ રોપલીની આવક શરૂ થઇ છે ત્યારે પુરવઠો વધતો રહેવાનો છે. એ જોતા ભાવ વધવાના સંજોગ દેખાતા નથી.
કાંદાનો ભાવ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં એક મણદીઠ રૂા. 50થી 80 વચ્ચે ચાલે છે. ખેડૂતોની પડતર રૂા. 150 આસપાસની છે. ખેડૂતોને બિયારણ, ખાતર, માવજત અને મજૂરીનું ખર્ચ પણ મળતું નથી ત્યારે વળતર વિષે તો પુછવા જેવું નથી.ચોમાસું કાંદાનું આયુષ્ય ઓછું હોય છે એટલે ખેડૂતોને ફરજિયાત વેંચવી પડી રહી છે.
સૌરાષ્ટ્રમાં કાંદાની આવક પોણા બે લાખ ગુણી આસપાસ રહે છે. મહુવા અને ભાવનગર યાર્ડમાં 70 - 70 હજાર ગુણી આવે છે. સૌરાષ્ટ્રની કાંદા દિલ્હી અને પંજાબ તરફ જાય છે પણ રાજસ્થાનના સસ્તા માલને લીધે ત્યાં રવાનગી પાંખી છે એટલે મુશ્કેલી છે. સૌરાષ્ટ્રમાં રેલ રેક પણ પૂરતી સંખ્યામાં નહીં મળતા માલ ભરાવો સર્જાય છે. મહુવા અને ભાવનગર બન્ને યાર્ડમાં માલભરાવો સર્જાય છે.
લાલ કાંદાનો ભાવ સોમવારે ફક્ત રૂા. 50-80 વચ્ચે ચાલે છે. નિકાસબર મોટી કાંદા રૂા. 110-125માં વેચાય છે પણ આવી આવક જૂજ છે. મહુવાના એક વેપારી કહે છે, રાજસ્થાનમાં બમ્પર પાક છે પરંતુ નબળી કાંદાનો પ્રવાહ ખૂબ છે. આ માલ દિલ્હીમાં રૂા. 5-6 પ્રતિ કિલો વેચાય છે એટલે સૌરાષ્ટ્રમાંથી માગ ઓછી છે. 
ભાવનગરના એક વેપારી કહે છે, રેલવે રેક મહુવામાં સપ્તાહમાં એક કે બે મળે છે પણ હજુ એકાદ વધુ રેક મળે તો માલનો નિકાલ સહેલાઇથી થઇ જાય તેમ છે. રેલ રેકમાં 10 ટન કાંદા મોકલવાનું ભાડું રૂા.13,000 થાય અને ટ્રકમાં રૂા. 33,000 થાય છે. ભાડા ફરકને લીધે રેલ માર્ગે ફાયદો થાય અને નિકાલ પણ ઝડપથી થઇ શકે.
સૌરાષ્ટ્રમાં શિયાળુ રોપલી કાંદાની આવક હવે ધીરે ધીરે થવા લાગી છે. માર્ચ અંતમાં આવક વધશે. જોકે, મેડામાં ભરનારો વર્ગ 10 એપ્રિલ પછી જ સક્રિય થશે એટલે ત્યાં સુધી બજારને ટેકો મળવાનો નથી. અલબત્ત કાંદાના ભાવ ખૂબ નીચા છે એટલે મોટી મંદી નહીં થાય પણ તેજી માટે લાંબો સમય રાહ જોવી પડશે. લાલ કાંદાની હાલત કફોડી છે. જોકે, બીજી તરફ સફેદ કાંદાના ખેડૂતોને તંદુરસ્ત વળતર મળી રહ્યું છે. સફેદ કાંદાનો ભાવ મણે રૂા. 150-175 સુધી ઉપજે છે. સફેદની આવક મહુવામાં સવા લાખ ગુણી અને ભાવનગરમાં આશરે 6 હજાર ગુણીની છે. સફેદ કાંદા ડિહાઇડ્રેશન ફેક્ટરીઓમાં જઇ રહી છે. હવે ફેક્ટરીવાળાની માગ થોડી ઓછી થઇ છે એટલે સફેદમાં વધુ ઊંચો ભાવ મળવો હવે મુશ્કેલ દેખાય છે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer