સેન્સેક્ષ નવા રેકર્ડ સ્તર નજીક

સેન્સેક્ષ નવા રેકર્ડ સ્તર નજીક
આઈસીઆઈસીઆઈ બૅન્ક, એચડીએફસી બૅન્ક, રિલાયન્સ, ઍક્સિસ અને ઈન્ફોસીસ સેન્સેક્ષને રેકર્ડ હાઈ બનાવવામાં સક્ષમ
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.21 : બીએસઈ સેન્સેક્ષ તેની નવી ટોચથી માત્ર 600 પોઈન્ટ્સ (1.6 ટકા) દૂર છે, ગત વર્ષના અૉગસ્ટમાં સેન્સેક્ષ 38,989ની સપાટીને સ્પર્શયો હતો. સેન્સેક્ષના આ વધારામાં માત્ર પાંચ શૅર- આઈસીઆઈસીઆઈ બૅન્ક, એચડીએફસી બૅન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઍક્સિસ બૅન્ક અને ઈન્ફોસીસનો મહત્ત્વનો ફાળો છે.
વિશ્લેષકોના મતે, સેન્સેક્ષ નવી ટોચને સ્પર્શીને વધુ ઊંચે જશે, જ્યારે મોટા ભાગના સૂચકાંકો નવી ઉપલી સપાટીને સ્પર્શશે. આંકડા જોતા, સૂચકાંક શૅર્સે વર્તમાન સ્તરથી 18 ટકા વધે તો તે નવી ઉપલી સપાટીને સ્પર્શશે. 10 સૂચકાંક શૅર્સે 50 ટકાથી 200 ટકા જેટલા વધશે, ત્યારે નવી ઉપલી સપાટી સુધી પહોંચશે. 
એચડીએફસી સિક્યુરિટીઝના રિટેલ રિસર્ચના હેડ દીપક જાસાણીએ કહ્યું કે, સેન્સેક્ષની કામગીરી એકધારી રહી છે. અમુક શૅર્સ ધીરે ધીરે વધી રહ્યા છે. પરંતુ અમારા મતે આ સ્તરમાં આગળ જઈને વધારો થશે. પરંતુ મોટા ભાગના સૂચકાંકો રેકર્ડ ઉપલી સપાટી સુધી વધશે નહીં.
સૂચિત પાંચ શૅર્સનું સંયુક્ત બજાર મૂલ્ય વર્ષ 2019માં અત્યાર સુધીમાં સૌથી વધુ રહ્યું છે. અૉગસ્ટ 2018થી આમાં 6.19 ટકાનો વધારો થયો છે. બાકીના 25 શૅર્સમાં સાત ટકાનો ઘટાડો થયો છે. આનો મતલબ અમુક શૅર્સના લીધે સૂચકાંકમાં તાજેતરના અઠવાડિયામાં વધારો નોંધાયો છે. નવેમ્બરથી ફેબ્રુઆરીની શરૂઆતમાં આ વધારો જોવા મળ્યો છે. 
અમુક વિશ્લેષકોનું માનવું છે કે બજારમાં હાલ જોખમ લઈ શકાય પરંતુ અમુક આ વાતે સંમત નથી. ગોલ્ડમેન સાક્સે ભારતીય ઈક્વિટી માટે પોતાનો મત અપગ્રેડ કરીને `માર્કેટ વેઈટ'થી `ઓવર વેટ' કરીને એક વર્ષનો નિફ્ટીનો ટાર્ગેટ 12,500 કર્યો છે. વિદેશી બ્રોકરેજ સંરક્ષણ અને નિકાસકારો કરતાં સાઈક્લિક સોદાને પસંદ કરી રહ્યા છે. નિફ્ટીમાં આ ક્ષેત્રો સૌથી વધુ વજન ધરાવતા છે.
મોર્ગન સ્ટેનલીના મતે આગામી અઠવાડિયોમાં ચૂંટણીને લીધે નિફ્ટી ચાર મહિનાની ઉપલી રેન્જને ગુમાવી શકે છે. કોટક ઈન્સ્ટિટયૂશનલ ઈક્વિટીઝે પણ આ બાબતે શંકા વ્યક્ત કરી છે. બ્રોકરેજ ગૃહે કહ્યું કે, કેલેન્ડર વર્ષ 2019ના પહેલા છ અઠવાડિયાઓમાં નબળી કામગીરી બાદ ભારતીય શૅરબજારોમાં વધારો આવ્યો છે. મોટા ભાગના લાર્જકૅપ અને મિડકૅપ શૅર્સમાં નફો-જોખમનું સંતુલન 10થી 30 ટકા છેલ્લા ત્રણ-ચાર અઠવાડિયાઓમાં વધ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, એચડીએફસી બૅન્ક અને એચયુએલ તેમના વાસ્તવિક મૂલ્યથી ઊંચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. એશિયન પેઈન્ટ્સ અને બજાજ ફાઈનાન્સ રેકર્ડ હાઈની નજીક છે. એચડીએફસી બૅન્ક, એશિયન પેઈન્ટ્સ, એલઍન્ડટી, કોટક મહિન્દ્ર બૅન્ક અને એચસીએલ ટેકનૉલૉજીસ તેમના રેકર્ડ હાઈથી માત્ર 10 ટકા દૂર છે. ગયા વર્ષે ફેબ્રુઆરી અને સપ્ટેમ્બરમાં તે ઉપલી સપાટીને સ્પર્શયા હતા. 
આઈડીબીઆઈ બૅન્કના એ કે પ્રભાકરે કહ્યું કે, બૅન્ક નિફ્ટી અૉલ-ટાઈમ હાઈને સ્પર્શી છે. બૅન્કિંગ ક્ષેત્ર આકર્ષક છે, ખાસ કરીને ખાનગી ક્ષેત્રની બૅન્કો કારણ કે તેમને એનસીએલટીના રિઝોલ્યુશનનો ફાયદો થઈ રહ્યો છે. આઈટી પણ હેવીવેઈટ ક્ષેત્ર છે. રૂપિયાના મૂલ્યમાં ડૉલર સામે વધારો થવાથી આ સૂચકાંકમાં પણ ઘટાડો આવશે નહીં. હાલના વધારા બાબતે પ્રભાકરે કહ્યું કે, સૂચકાંકને રેકર્ડ હાઈ સુધી પહોંચાડવા માટે દરેક શૅર્સ ઉપલી સપાટીને સ્પર્શે તે જરૂરી નથી. 
19 ફેબ્રુઆરી પછીથી સેન્સેક્ષ 35,300ના સબ-લેવલને સ્પર્શયો છે. એનટીપીસી અૉગસ્ટ 2018થી પાંચ ટકા ઘટયા બાદ 18 ટકા વધ્યો છે. આ શૅર હજી 84 ટકા વધે તો તે જાન્યુઆરી 2008ની ઉપલી સપાટીને પાર કરશે. યૅસ બૅન્ક ફેબ્રુઆરીની નીચલી સપાટીથી 15 ટકા વધ્યો છે, પરંતુ અૉગસ્ટ 2018ની ટોચથી 33 ટકા પાછળ છે. વેદાંત, કોલ ઇન્ડિયા, સન ફાર્મા અને ઓએનજીસી પણ ફેબ્રુઆરીના ઘટાડા પછી 10-15 ટકા વધ્યા છે, પરંતુ નવી ટોચ માટે 80-180 ટકા જેટલો વધારો નોંધાવો પડશે.  Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer