પ્રથમ યાદીમાં કિરીટ સોમૈયાના નામની બાદબાકી : પ્રવીણ છેડા આજે ભાજપમાં જોડાશે

ઇશાન મુંબઈ અંગે સસ્પેન્સ બરકરાર
અમૂલ દવે તરફથી
મુંબઈ, તા. 21 : ભારતીય જનતા પાર્ટી માટે ઇશાન મુંબઈની બેઠક માથાનો દુખાવો બની છે. શિવસૈનિકોના પ્રબળ વિરોધને લીધે ભાજપે કિરીટ સોમૈયાનું નામ ઇશાન મુંબઈમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યું નથી. સુમાહિતગાર વર્તુળો જણાવે છે કે પક્ષના મોવડીમંડળે રાજ્ય એકમ પાસે ઇશાન મુંબઈ માટે કિરીટ સોમૈયા ઉપરાંત બીજું નામ મગાવ્યું હતું. ભાજપની મધ્યસ્થ કેન્દ્રીય સમિતિએ આ માટે થોભો અને રાહ જુઓની રણનીતિ અપનાવી છે. ભાજપ પાસે મુંબઈમાં ત્રણ જ સીટ છે અને આમાંથી ગોપાલ શેટ્ટી અને પૂનમ મહાજનનાં નામ જાહેર કરી દેવામાં આવ્યાં છે. ગુજરાતીઓ ભાજપની મોટી વૉટ બૅન્ક છે અને આથી એક ગુજરાતીને ટિકિટ આપવી જરૂરી છે. મુંબઈમાં પાંચ બેઠક લડી રહેલા કૉંગ્રેસે પણ હજી સુધી એકેય ગુજરાતીને ટિકિટ આપી નથી.
રાજકીય વર્તુળો એમ કહે છે કે શિવસૈનિકોના વિરોધને લીધે કિરીટભાઇની ટિકિટ ક્પાય તો પોતાને ટિકિટ મળે એ માટે જોરદાર લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉ જણાવ્યા મુજબ રેલવે પ્રધાન પીયૂષ ગોયલ, વિધાનસભ્ય અને ભાજપ તથા કૉંગ્રેસના નગરસેવકોનાં નામ સંભવિત ઉમેદવાર તરીકે ચર્ચામાં છે. કૉંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડા આવતી કાલે વાનખેડે સ્ટેડીયમના ગરવારે ક્લબ હાઉસમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપમા જોડાશે. ભાજપના પાલિકાના ગટનેતા મનોજ કોટક પણ આ બેઠક પર લડવાની તક મળે એ માટે પ્રયત્નશીલ છે. અહીં ઉલ્લેખનીય છે કે હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતા વર્ષોથી લોકસભાની ચૂંટણી લડવા આનાકાની કરી રહ્યા છે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer