વિજયસિંહ મોહિતે પાટીલને જ ટિકિટ આપવી હતી, પરંતુ તેમનો ફોન સ્વીચઅૉફ હતો : અજિત પવાર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : માઢા લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ વિજયસિંહ મોહિતે પાટીલને જ ફરી ઉમેદવારી આપવી હતી. પાટીલ એ વરિષ્ઠ નેતા છે અને લોકસભામાં તેમની જરૂર છે. એ માટે પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓએ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ફોન સ્વીચ અૉફ રાખતાં અમે અમારો નિર્ણય લીધો હતો, એવો ખુલાસો રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અજિત પવારે કર્યો હતો. સુજય વિખે પાટીલને પણ દક્ષિણ નગરમાંથી ઉમેદવારી આપવા અમે તૈયાર હતા, પણ અપશુકન ક્યાં થયું એની માહિતી નથી, એવું પણ પવારે જણાવ્યું હતું. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ દ્વારા યોજાયેલા કાર્યકર્તા મેળાવડામાં તેઓ બોલી રહ્યા હતા.
પક્ષના રાજ્યસભાનાં સાંસદ વંદના ચવ્હાણ, શહરાધ્યક્ષ ચેતન તુપે, માજી વિધાનસભ્ય જયદેવ ગાયકવાડ, પ્રવક્તા અંકુશ કાકડે, બાપુ પઠારે, રવીન્દ્ર માળવદકર, કમલ ઢોલે પાટીલ, રૂપાણી ચાકણકર, અશ્વિની કદમ, 
સુરેશ ધુલે, રાજલક્ષ્મી ભોસલે, જાલીન્દર કામઠે વગેરે પદાધિકારી ઉપસ્થિત હતાં.
પોતાની રાજ્યસભાની મુદત બાકી હોવાથી માઢા લોકસભા બેઠક પરથી વિજયસિંહ મોહિતે પાટીલને ટિકિટ આપવી એવું શરદ પવારે સ્પષ્ટ કર્યું હતું, પરંતુ વિજયસિંહે અન્ય જણનો આગ્રહ કર્યો હતો. પાટીલ વરિષ્ઠ નેતા હોવાથી લોકસભામાં તેમની જરૂરત હતી, પરંતુ તેમનો ફોન સ્વીચઅૉફ આવતો હોવાથી આ નિર્ણય લીધો હતો.
 

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer