પાકિસ્તાન કડક પગલાં નહીં ભરે તો એફએટીએફના ગ્રે લિસ્ટમાં આવી જશે

વૉશિંગ્ટન, તા. 21 (પીટીઆઈ): બુધવારે વાઈટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતાં ઉચ્ચ વહીવટીય અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન જૈશ એ મોહમદ અને લશ્કરે તોયબા જેવાં આતંકવાદી સંગઠનો સામે નક્કર પગલાં ભરે તે અમે જોવા માગીએ છીએ જેથી આ પ્રાંતમાં તંગદીલી ન વધે.
`હવે જો ભારત પર એક વધુ આતંકવાદી હુમલો થશે તો તે પાકિસ્તાન માટે ગંભીર સમસ્યા પેદા કરશે અને તેનાથી તંગદીલી પણ વધશે' એમ આ અધિકારીએ નામ નહીં આપવાની શરતે 
જણાવ્યું હતું.
તાજેતરમાં પાકિસ્તાને કેટલાંક પ્રારંભિક પગલાં ભર્યાં છે. તેમણે કેટલાંક આતંકવાદી સંગઠનોની સંપત્તિઓ સ્થગિત કરી છે અને કેટલીક ધરપકડો પણ કરી છે. તેમણે જૈશ એ મોહમદની કેટલીક ફેસીલીટીઓ પર વહીવટીય અંકુશ લીધો છે એમ આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
`પરંતુ અમે હજી સ્પષ્ટપણે વધુ પગલાં જોવા માગીએ છીએ કારણકે ભૂતકાળમાં પાકિસ્તાને કેટલીક ધરપકડો કરી હતી અને મહિનાઓ બાદ તેમને છોડી મૂક્યા હતા. પાકિસ્તાનના આતંકના આકાઓને દેશબહાર કરવાની પણ છૂટ આપવામાં આવે છે અને તેઓ રેલીઓ પણ યોજે છે' એમ આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
અમેરિકા પાકિસ્તાન દ્વારા ``અફર'' પગલાં ઈચ્છે છે, પાકિસ્તાન પર દબાણ વધારવા અમેરિકા તેના સાથી રાષ્ટ્રો સાથે મસલત કરી રહ્યું છે. કારણકે ઘણા લાંબા સમયથી પાકિસ્તાનમાં આ આતંકવાદી સંગઠનો સક્રિય છે, એમ આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
પાકિસ્તાનની આર્થિક સમસ્યાઓ પણ અનેક ગણી છે એવું નિરીક્ષણ કરતાં આ અધિકારીએ જણાવ્યું હતું કે, ફાઇનાન્શીયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) ઈચ્છે છે કે, પાકિસ્તાન આ આતંકવાદી સંગઠનો સામે કડક પગલાં ભરે, જો તેઓ તેમ નહીં કરે તો તેઓ એફએટીએફની ગ્રે લિસ્ટમાં આવી જશે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer