નીરવ મોદી દેશના `ચોકીદાર''થી છુપાઈને રહી ન શકે : ભાજપ

આ તો ચૂંટણીની નાટકબાજી છે : કૉંગ્રેસ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 21 : ભાગેડુ જ્વેલર નીરવ મોદીની ધરપકડ પોતાને ચોકીદાર પુરવાર કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે એક સફળતાના રૂપમાં આવી છે અને નીરવ મોદીને દેશમાંથી જવા દેનાર ચોકીદાર ચોર છે એમ કહીને વડા પ્રધાનને નિશાન બનાવતી કૉંગ્રેસને ચૂપ કરવા માટે પૂરતી છે. જોકે, નીરવ મોદી પણ વિજય માલ્યાની જેમ કાનૂની લડત બાદ કદાચ જામીન મેળવી લેશે, પરંતુ આ આર્થિક ગુનેગારની `ધરપકડ' પોતાની મુખ્ય સિદ્ધિ હોવાનો મોદી સરકાર દાવો કરી શકે છે.
નીરવ મોદીની ધરપકડ એવા દિવસે કરાઈ છે, જ્યારે `ચૌકીદાર ચોર હૈ'ના સૂત્રને લઈને કૉંગ્રેસ પર વડા પ્રધાન નિશાન તાકી રહ્યા હતા. વડા પ્રધાન મોદીએ બુધવારે કૉંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વારંવાર `ચૌકીદાર ચોર હૈ'નો નારો લગાવવો એ તમામ ચોકીદારોનું અપમાન છે અને તે દેશ માટે નુકસાનકર્તા છે.
ઓડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના 25 લાખ જેટલા ચોકીદારોને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે કેટલાંક સ્થાપિત હિતો છેલ્લા કેટલાક દિવસોથી ચોકીદારો વિશે ગેરસમજ ફેલાવી રહ્યા છે અને તેમનું અપમાન કરી રહ્યા છે તે માટે મને ખેદ થાય છે. એ વાત કમનસીબ છે કે તેમની આવી ભાષાથી તમારી લાગણીઓ ઘવાઈ છે.
`મૈં ભી ચૌકીદાર' ઝુંબેશથી ઉત્સાહિત થયેલા વડા પ્રધાન આ અભિયાનને ટેકો આપવાની પ્રતીજ્ઞા લેનારાઓને 31 માર્ચના વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધશે.
જોકે, વિપક્ષોએ નીરવ મોદીની ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા આ ધરપકડ એક પ્રતિકાત્મક કાર્યવાહી છે અને આ ધરપકડ માટે સરકાર કોઈ યશ લઈ શકે તેમ નથી. ભાજપે તેને (નીરવ મોદી)ને ભાગવામાં મદદ કરી હતી. હવે તેઓ તેને પાછો લાવશે. તેઓ તેને ચૂંટણી માટે પાછો લાવશે અને ચૂંટણી પછી તેને પાછો મોકલી દેશે, એમ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું.
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલાએ પણ નીરવ મોદીની ધરપકડ માટે યશ લેવા બદલ ભાજપની ટીકા કરી હતી.
`ભાજપ નીરવ મોદીની ધરપકડ માટે વડા પ્રધાનને યશ આપી રહ્યો છે એ વાતની નવાઈ લાગે છે અને એ વાતની સાવ અવગણના કરે છે કે લંડનના ટેલિગ્રાફના પત્રકારે તેને શોધી કાઢયો હતો અને વડા પ્રધાન કે તેમની એજન્સીઓને તેની ભાળ મળી નહોતી,' એમ અબદુલાએ ટવીટ કર્યું હતું.
બીજી તરફ કેન્દ્રીય પ્રધાનો રવિશંકર પ્રસાદ અને હરદીપસિંહ પુરીએ આ ધરપકડને વડા પ્રધાનની સિદ્ધિ તરીકે બિરદાવી હતી.
`તમે ભાગી શકો, પરંતુ દેશના ચોકીદારથી છુપાઈ શકો નહિ' વિજય માલ્યા બાદ હવે નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરાઈ છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે આ એ ભારત નથી કે જો આર્થિક ગુનેગારોને દેશને લૂંટવાની અને કાયદાની જાળમાંથી છટકવા દે, એમ પ્રસાદે ટવીટ કર્યું હતું.
ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ ચલાવવાની વડા પ્રધાનની છબીને ચમકાવવા ચૂંટણી પહેલાં વડા પ્રધાન માટે ભાજપ દ્વારા ચોકીદાર કે વોચમેનના શબ્દનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer