વડા પ્રધાન મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી લડશે

વડા પ્રધાન મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી લડશે
લોકસભાની ચૂંટણી : 184 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર
નાગપુરમાંથી ગડકરી, લકનઊમાંથી રાજનાથ અને અમેઠીમાંથી સ્મૃતિ ઇરાની
નવી દિલ્હી, તા. 21 (પીટીઆઈ) : લોકસભાની ચૂંટણી માટે 184 ઉમેદવારોની આજે જાહેર કરેલી પ્રથમ યાદીમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસીમાંથી અને પક્ષપ્રમુખ અમિત શાહને ગાંધીનગરની બેઠક પરથી ઊભા રાખ્યા છે.
પક્ષના વરિષ્ઠ નેતા જે. પી. નડ્ડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગૃહપ્રધાન રાજનાથ સિંહને લકનઊમાંથી અને કેન્દ્રના અન્ય પ્રધાન નીતિન ગડકરીને નાગપુરમાંથી ઊભા રાખવાનો પણ પક્ષે નિર્ણય લીધો છે. ગત સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પરથી બન્ને નેતા જીત્યા હતા.
કેન્દ્રના પ્રધાન સ્મૃતિ ઇરાનીને અમેઠીમાંથી ફરી ઉમેદવારી અપાઈ છે અને તેમનો મુકાબલો કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીની સામે થશે.
કેન્દ્રના પ્રધાન કિરણ રિજિજૂ અરુણાચલ-પૂર્વમાંથી લડશે. કેન્દ્રના પ્રધાનો વી. કે. સિંહ અને મહેશ શર્માને પણ ભાજપે અનુક્રમે ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગર (નોઈડા) ખાતેથી ફરી ઉમેદવારી આપી છે.
ભાજપ તરફથી આજે અનેક રાજ્યોમાંથી તેના ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તમિળનાડુ, ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.
બિહાર ખાતેથી પક્ષના તમામ 17 ઉમેદવારોનાં નામ ભાજપે નક્કી કરી લીધાં છે અને યાદી રાજ્ય એકમને મોકલાવી છે. રાજ્ય એકમ તેના સાથી પક્ષો સાથે સંયુક્તપણે નામોની જાહેરાત કરશે, એમ નડ્ડાએ જણાવ્યું હતું.

Published on: Fri, 22 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer