વૈશ્વિક સોનામાં મજબૂત સ્થિતિ

વૈશ્વિક સોનામાં મજબૂત સ્થિતિ
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.22 : વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ મક્કમ રહ્યો હતો. ન્યૂ યોર્કમાં 1313 ડૉલરની ત્રણ સપ્તાહની ઊંચાઇએ આ લખાય છે ત્યારે રનિંગ હતો. શૅરબજારોમાં તેજી થવાને લીધે મોટી તેજી અટકી ગઇ હતી પરંતુ સતત ત્રીજા સપ્તાહે સોનું સુધરવામાં સફળ રહ્યું હતું. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા ચાલુ વર્ષમાં કોઇ વખત વ્યાજદર વધારો કરવામાં આવશે નહીં તેવી જાહેરાત કરવામાં આવતા સોનાને માટે તેજીનો માર્ગ મોકળો થઇ ગયો છે.
ગઇકાલે સોનામાં ઉછાળો આવ્યા પછી આજે નફારૂપી વેચવાલી હતી. રોકાણકારો  ઇક્વિટી તરફ પણ પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હોવાથી સોનું તત્કાળ વધી જાય તેમ નથી. છતાં 1300 ડૉલરની સપાટીને તોડશે નહીં તેમ ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલના વિશ્લેષક બ્રિયાન લેન કહે છે. એશિયાઇ શૅરબજારો આજે સાડા છ માસની ઊંચાઇએ હતા. 
ફેડનો વ્યાજદર વધારો ટળશે એ સોના માટે ચાલુ વર્ષે તેજીનો મોટો સંકેત છે.  સળંગ ત્રણ વર્ષથી વ્યાજદર વધારાનો સિલસિલો ચાલુ રહ્યો હતો તેના ઉપર હવે બ્રેક લાગી જાય તેમ છે. એફસી સ્ટોનના એડવર્ડ મિર કહે છે, એક વખત બ્રેક્ઝિટની અનિશ્ચિતતા દૂર થઇ જાય પછી ડૉલરના મૂલ્યમાં ઘટાડો આવવાનો આરંભ થશે. ડૉલરને તેજી તરફ ધકેલી શકે તેવું કોઇ કારણ હાલ દેખાતું નથી એટલે સોનાને સીધો લાભ પ્રાપ્ત થશે.
રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 130ના સુધારામાં રૂા. 33,000 હતો. મુંબઈમાં રૂા. 115 વધતા રૂા. 32,050 હતુ. ન્યૂ યોર્ક ચાંદી 15.46 ડૉલર હતી. રાજકોટમાં એક કિલોનો ભાવ રૂા. 400 ઊંચકાતા રૂા. 38,800 હતો. મુંબઈ ચાંદી રૂા. 415ની તેજીમાં રૂા. 38,120 હતી.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer