વિશ્વના ઝડપથી વિકસતાં મોટાં અર્થતંત્રોમાં ભારત : આઈએમએફ

વિશ્વના ઝડપથી વિકસતાં મોટાં અર્થતંત્રોમાં ભારત : આઈએમએફ
વૃદ્ધિદર ટકાવી રાખવા સુધારાલક્ષી પગલાં સતત લેવા પડશે : રાઇસ

નવી દિલ્હી, તા. 22 (પીટીઆઈ) : વિશ્વમાં વિશાળ અર્થતંત્ર ધરાવતાં રાષ્ટ્રોમાં ભારત ઝડપથી વિકસતા દેશોમાં સ્થાન ધરાવે છે, એમ ઇન્ટરનેશનલ મોનેટરી ફન્ડ (આઈએમએફ)એ જણાવ્યું છે. પાછલા પાંચ વર્ષમાં મહત્ત્વના સુધારાલક્ષી પગલાં લેવામાં આવ્યાં છે પણ હજી વધુ પગલાં લેવા જરૂરી હોવાનું આઈએમએફએ ભારપૂર્વક જણાવ્યું હતું.
પાછલા પાંચ વર્ષમાં ભારતમાં આર્થિક સુધારા વિશે અહીં પખવાડિક પત્રકાર પરિષદમાં પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આઈએમએફના કમ્યુનિકેશન ડિરેકટર ગેરી રાઇસે જણાવ્યું હતું કે ભારત તાજેતરના સમયગાળામાં નિ:શંકપણે ઝડપથી વિકસી રહેલા મોટા અર્થતંત્રમાંથી એક છે અને પાછલા પાંચ વર્ષમાં જીડીપીનો વિકાસદર સરેરાશ સાત ટકાથી ઉપર રહ્યો છે.
મહત્ત્વના સુધારાવાદી પગલાં લેવામાં આવ્યાં છે અને વિકાસનો દોર ટકાવી રાખવા વધુ સુધારાવાદી પગલાં લેવા જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વિશ્વબૅન્કની આવતા મહિને વાર્ષિક બેઠક યોજાશે, તે પહેલાં આઈએમએફ વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક (ડબ્લ્યુઈઓ) સર્વે રિપોર્ટ જાહેર કરશે, તેમાં ભારતના અર્થતંત્રના વિકાસની વિગતે માહિતી અપાશે, એમ તેમણે જણાવ્યું હતું.
ભારતીય મૂળના અમેરિકી અર્થશાત્રી ગીતા ગોપીનાથ અત્યારે આઈએમએફના ચીફ ઇકોનોમિસ્ટ છે, તેમના વડપણ હેઠળ આ પ્રથમ અહેવાલ પ્રસિદ્ધ થશે.
વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકમાં ભારતના વિકાસ વિશે ઝીણવટભરી માહિતી રજૂ થશે પણ નીતિની પ્રાથમિકતામાં અમે બૅન્કસ અને કૉર્પોરેટ બેલેન્સશીટમાં વધુ પારદર્શકતા લાવવા, રાજકોષીય મજબૂતાઈ ચાલુ રહે તેવા પગલાં ભરવાનો આગ્રહ રાખીશું, તેમ જ માર્કેટ્સ, લેબર, લેન્ડ રિફોર્મ બાબતે ભારત સરકાર માળખાકીય સુધારા ચાલુ રાખે તેવો પણ આગ્રહ રાખીશું, એમ રાઇસે જણાવ્યું હતું.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer