એનબીએફસી ક્ષેત્રમાં ખીલી ઊઠી રોજગારીની મોસમ

એનબીએફસી ક્ષેત્રમાં ખીલી ઊઠી રોજગારીની મોસમ
માર્ચ અંત સુધીમાં 15,000 રોજગારીનું નિર્માણ થશે

મુંબઈ, તા.22 : નોન-
બૅન્કિંગ ફાઈનાન્સ કંપની (એનબીએફસી)ઓ તેમના વિવિધ કામકાજ માટે ફરી નવી ભરતી કરી રહી છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં લિક્વિડિટીની અછત અને મૂડી ખર્ચમાં વધારા જેવી મુશ્કેલીઓ દૂર થઈ રહી છે. 
નાણાં વર્ષ-2020માં એનબીએફસીએ 15,000 લોકોને નોકરી આપી હતી, એવો અંદાજ રિક્રુટ કંપની ટીમલીઝનો છે. મહિન્દ્ર ફાઈનાન્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ, પિરામલ કૅપિટલ, આદિત્ય બિરલા ફાઈનાન્સ, આઈઆઈએફએલ, મેગ્મા ફિનકોર્પ અને યુગ્રો કૅપિટલ રોજગાર આપવામાં અગ્રણી રહી છે. આ કંપનીઓએ રોજગાર આપવાનું શરૂ કર્યું છે અને નાણાં વર્ષ-19નું 50 ટકા જેટલું વિસ્તરણ ફક્ત માર્ચ અંતના ત્રિમાસિક ગાળામાં થવાની શક્યતા છે. ટીમલીઝના મતે નાણાં વર્ષ-19માં એનબીએફસીએ 10,000 થી વધુ ઉમેદવારોને  નોકરી આપી છે. 
મહિન્દ્ર ફાઈનાન્સના મૅનેજિંગ ડિરેક્ટર રમેશ ઐયરે કહ્યું કે, એનબીએફસી ક્ષેત્ર આવતા અમુક વર્ષોમાં અલગ સ્તરની વૃદ્ધિ કરશે અને આ ક્ષેત્રમાં મોટા ભાગે વિસ્તરણ થશે. અમે પણ નવા પ્રોડકટ્સમાં વિસ્તરણ અને વૈવિધ્ય લાવી રહ્યા છે, જેમ કે શોર્ટ ટર્મ કન્ઝ્યુમર ડયુરેબલ ક્રેડિટ અને એજ્યુકેશન લોન. મહિન્દ્રના નોન-બૅન્કિંગ એકમમાં 30 લાખ ગ્રાહકો છે. નાણાં વર્ષ-20માં કંપની 1000 જેટલી રોજગાર અને 75-100 જેટલી નવી શાખા લઈ શકે છે. 
આદિત્ય બિરલા ફાઈનાન્સના રાકેશ સિંઘે કહ્યું કે, પરિસ્થિતિ પડકારરૂપ હતી, પરંતુ દરેક મુશ્કેલીમાં તક પણ સમાયેલી હોય છે. અમારા મતે મજબૂત એસેટ-લાઈબિલિટી અને એનપીએ મૅનેજમેન્ટના વિષયે અમારા ઉપર ઓછી પ્રતિકૂળ અસર પડી છે. 
નવી રોજગાર જે કામકાજમાં આપવામાં આવી છે, તેમાં વેચાણ, કલેક્શન અને ક્રેડિટ આકારણીનો સમાવેશ છે. આઈએલઍન્ડએફએસ પેમેન્ટમાં ડિફોલ્ટ થતા આ ક્ષેત્રમાં કટોકટી સર્જાઈ હતી. હાલ અંડરરાઈટર્સ અને રિસ્ક મૅનેજમેન્ટ પ્રોફેશનલની માગ છે.
ટીમલીઝ સર્વિસીસના બૅન્કિંગ અને ફાઈનાન્સના હેડ સબ્યસાચી ચક્રવર્તિએ કહ્યું કે, આગામી નાણાકીય વર્ષ સુધી આ ક્ષેત્રમાં ભરતી થતી રહેશે અને રોજગાર 40-50 ટકા જેટલા વધી શકે છે. બીજી બાજુ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ રિટેલ ધિરાણ વધારી રહી છે, જ્યારે અન્ય એનબીએફસી માનવબળમાં વધારો કરીને ઈન્ફ્રસ્ટ્રકચર અને લોજિસ્ટિકનું વિસ્તરણ કરી રહી છે. 
આઈઆઈએફએલ ફાઈનાન્સના સીઈઓ સુમિત બાલીએ કહ્યું કે, અમે ત્રીજી શ્રેણીના શહેરોમાં કામકાજ વધારી રહ્યા છે. નવા ડિજિટલ ફાઈનાન્સ મોડેલ જેવા કે પી-ટુ-પી અને ફિનટેક ડેટા સાઈન્સ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 
પિરામલ કૅપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સે કહ્યું કે, મોટા ભાગના અગ્રણી એનબીએફસી મોર્ટગેજ ધિરાણ ઘટાડી રહી છે અને રિટેલ અને હાઉસિંગ ફાઈનાન્સ બિઝનેસમાં વધારો કરી રહી છે. અમે નાગપુર, વડોદરા, સુરત, ઈંદોર અને જયપુર તેમ જ મુંબઈની અમુક શાખાઓમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરતા રહીશું.
પિરામલ કૅપિટલની કર્મચારી બળ નાણાં વર્ષ-18ના 600થી વધીને હાલ 1200થી પણ વધુ થયું છે. આવી જ રીતે શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ નાણાં વર્ષ-20માં 2000 લોકોને રોજગાર આપવાની યોજના ધરાવે છે, તેમ જ 18 ટકા વિસ્તરણનું લક્ષ્ય પણ કંપનીનું છે. શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સના મૅનેજિંગ ડિરેક્ટર ઉમેર રાવનકરે કહ્યું કે, પહેલા બે ત્રિમાસિકમાં વૃદ્ધિ દર ધીમો રહ્યો પરંતુ બાકીના બે ત્રિમાસિક ગાળામાં ગતિ પકડી છે.
Published on: Sat, 23 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer