`અલીબાગ સે આયા હૈ ક્યા?'' વાક્ય પર પ્રતિબંધ મૂકવાની હાઈ કોર્ટમાં માગણી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : `અલીબાગ સે આયા હૈ ક્યા?' વાક્ય પર છેલ્લાં અનેક વર્ષોથી વિખવાદ ચાલી રહ્યો છે. અનેક રાજકીય અને સામાજિક સંસ્થાએ એના વિશે દેખાવો યોજ્યા અને ઝુંબેશ પણ ચલાવી હતી, પરંતુ હવે તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનું કામ છેક મુંબઈ હાઈ કોર્ટમાં જનહિતની યાચિકા દાખલ કરીને કર્યું છે રાજેન્દ્ર ઉર્ફે રાજા ઠાકુરે.
એકાદ વ્યક્તિને `કેમ રે, અલીબાગથી આવ્યો છું?' કહીને અલીબાગવાસીઓનું અપમાન કરવામાં આવે છે એવો આક્ષેપ કરીને આ વાક્યની વિરુદ્ધ ફિલ્મ સેન્સર બોર્ડ અન રાજ્ય સરકારના સાંસ્કૃતિક ખાતાએ ચાંપતાં પગલાં ભરવાં જોઈએ એવી માગણી કરતી જનહિતની યાચિકા હાઈ કોર્ટમાં કરવામાં આવી છે.
અલીબાગમાં રહેતા રાજેન્દ્ર મધુકર ઠાકુર વતી ઍડ્વોકેટ રઘુરાજ દેશપાંડેએ દાખલ કરેલી એ યાચિકા પર મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને જસ્ટિસ નીતિન જમાદારની ખંડપીઠ સમક્ષ બે અઠવાડિયાં બાદ સુનાવણી થવાની છે.
ફિલ્મ, નાટક કે ટીવી-સિરિયલોમાં પ્રચલિત બનેલો ડાયલૉગ `અલીબાગ સે આયા હૈ ક્યા?'નો અર્થ `મૂરખ છે કે?' એવા આશયથી વપરાતો હોવાથી કારણ વિના અલીબાગ જેવા સમૃદ્ધ અને મહારાષ્ટ્રના એક મહત્ત્વના ગણાતા પિકનિક પૉઇન્ટ ગણાતા સ્થળની બદનામી કરનારો છે એવો ખુલાસો યાચિકામાં કરવામાં આવ્યો છે. એ ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજના સામ્રાજ્યના તેમના પ્રમુખ કાન્હોજી આંગ્રેએ અલીબાગ વસાવ્યું હતું એનો ઉલ્લેખ પણ અરજીમાં કરવામાં આવ્યો છે એટલે `અલીબાગ સે આયા હૈ ક્યા?' વાક્ય પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકાવો જોઈએ એવું રાજા ઠાકુરે કહ્યું છે.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer