બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ત્રણે નર્સના પરિવારને

 50 લાખનું વળતર આપવાની માગણી
 
મુંબઈ, તા. 22 : 14 માર્ચે બનેલી સીએસએમટી બ્રિજ દુર્ઘટનામાં જીટી હૉસ્પિટલની ત્રણ નર્સના પણ મૃત્યુ થયા હતા. હૉસ્પિટલના યુનિયને માગણી કરી છે કે, દુર્ઘટનામાં મૃત્યુ પામેલી નર્સના પરિવારજનોને એટલું જ વળતર મળવું જોઈએ જેટલું 26/11 ના હુમલામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓને મળ્યું હતું. મહારાષ્ટ્ર સ્ટેટ નર્સિંગ ફેડરેશન (એમએસએનએફ) નું કહેવું છે કે, નર્સના પરિવારજનો પાંચ લાખ રૂપિયા કરતા વધુ વળતરને પાત્ર છે. યુનિયનના પ્રતિનિધિઓએ પાલિકાના કમિશનર અજોય મહેતાની મુલાકાત લીધી હતી અને તેમની સમક્ષ પોતાની માગણીઓ રજુ કરી હતી.
 યુનિયનની માગણી છે કે, નર્સના પરિવારમાંથી કોઈકને સરકારી નોકરી અને 50 લાખ રૂપિયા વળતર આપવામાં આવે. 
નર્સના કેસ બાબતે બીજા યુનિયનોએ પણ મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસ અને મેડિકલ એજ્યુકેશન પ્રધાન ગિરિશ મહાજનને પત્ર લખ્યો છે. નર્સ અપૂર્વા પ્રભુ, ભક્તિ શિંદે અને રંજના તાંબે તેમના ઘરમાં કમાતી મુખ્ય વ્યક્તિ હતા. અપૂર્વા પ્રભુના પરિવારમાં પતિ, 12 વર્ષનો દીકરો અને 10 વર્ષની દીકરી  છે. ભક્તિ શિંદેના કુટુંબમાં  પતિ અને 13 વર્ષીય દીકરો છે અને ઘર તેની કમાણી પર ચાલતું હતું. જ્યારે રંજનાબેન તાંબે દિવ્યાંગ છે અને વિધવા માતા સાથે રહીને ગુજરાન ચલાવે છે. યુનિયનનું કહેવું છે કે, ત્રણે નર્સની નોકરીના 10 થી 12 વર્ષ બાકી હતા. પાંચ લાખ રૂપિયાનું વળતર એ ફક્ત તેમની પાંચ છ મહિનાની આવક જેટલું છે. પ્રશાસને તેમને એટલું વળતર આપવું જોઈએ જેટલું તેઓ નિવૃત્તિ સુધીમાં કમાઈ શકે. તેમ જ તેમને નિવૃત્તિ બાદ મળનારા લાભ પણ આપવા જોઈએ. 
યુનિયને કહ્યું હતું કે, 2008 ના આતંકવાદી હુમલા બાદ જીટી અને કામા હૉસ્પિટલના સ્ટાફને 25 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું. કેટલાકના કુટુંબીજનોને ઘર અને નોકરી પણ આપવામાં આવી હતી. તો સીએસએમટી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પણ એ જ લાભ મળવો જ જોઈએ. 
જખમી થયેલા લોકોના પરિવાર દ્વારા પણ વધુ વળતરની માગ કરવામાં આવી છે.
Published on: Sat, 23 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer