સામ પિત્રોડાની ટિપ્પણીને કૉંગ્રેસે વ્યક્તિગત મત ગણાવી

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 22 : પુલવામામાં આતંકવાદી હુમલા પછી બાલાકોટ ઉપર થયેલા હવાઈ હુમલાને પગલે રાષ્ટ્રીય જુવાળ નરેન્દ્ર મોદી તરફી છે ત્યારે કૉંગ્રેસના વિદેશ વિભાગના વડા અને રાહુલ ગાંધીના નિકટના સાથી સામ પિત્રોડાએ નિવેદન કર્યું છે કે મુંબઈ ઉપર થયેલા 26/11ના હુમલા માટે આખા પાકિસ્તાનને દોષિત ગણી શકાય નહીં. વધુમાં પિત્રોડાએ પુલવામાના હુમલા પછી ભારતીય વાયુદળે બાલાકોટ ઉપર કરેલા હુમલામાં મરણાંક વિશે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
પિત્રોડાના નિવેદનને લીધે કૉંગ્રેસ માટે બેકફૂટ આવવા જેવી સ્થિતિ થઈ છે. જ્યારે ભાજપને રાજકીય લાભ થઈ શકે છે.
કૉંગ્રેસે પિત્રોડાના નિવેદનથી થનારા નુકસાનને ઘટાડવા માટે સ્પષ્ટતા કરી છે કે તે તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે. કૉંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો છે કે વડા પ્રધાન મોદી અને ભાજપે વ્યક્તિના `અભિપ્રાય'નો ઉપયોગ વિષ ફેલાવવાથી દૂર રહેવા કરવો ન જોઈએ.
કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે અમારા પક્ષે `સર્વાનુમતે' જણાવ્યું છે કે પુલવામા આતંકવાદી હુમલો એ મોદી સરકારની `દેશની સલામતીમાં ગંભીર નિષ્ફળતા'  છે. બાલાકોટ ઉપર હવાઈ હુમલો એ ભારતના વાયુદળની બહાદુરીનું અને પાકિસ્તાનના લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મહંમદના આતંકવાદી સંગઠનોના કાવતરાં ક્યારેય સફળ નહીં થાય તેનું ચમકદાર દૃષ્ટાંત છે.
પુલવામાના શહીદોને દેશ શ્રદ્ધાંજલિ આપતો હતો ત્યારે મોદી ભાષણો આપતા હતા અને કોરબેટ પાર્કમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા. પુલવામામાં પાડોશી દેશોમાંથી લાવવામાં આવેલા આરડીએક્સ, એમ.આઈ. કાર્બાઇન્સ અને રોકેટ લોન્ચર અંગે મોદી સરકાર પાસે જાણકારી નહોતી. ભાજપની સરકારે જ જૈશ-એ-મહંમદના વડા મસૂદ અઝહર અને અન્ય આતંકવાદીઓને મુક્ત કર્યા છે. ભાજપ અને મોદીએ વ્યક્તિના અંગત અભિપ્રાયને આધારે વિષ ફેલાવવાનું રોકવું જોઈએ. સશત્ર દળોની શહાદતને ઢાંકી દેવાને બદલે વડા પ્રધાને રોજગારીની અછત, કૃષિક્ષેત્રની મુશ્કેલીઓ, નોટબંધી, જીએસટી અને અર્થતંત્રની અધોગતિ વિશે ખુલાસો આપવો જોઈએ એમ સૂરજેવાલાએ ઉમેર્યું હતું.
Published on: Sat, 23 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer