સ્થાનિક ચૂંટણીમાં મતદાતાઓની જમણા હાથની તર્જની પર ટપકું મુકાશે

ત્યાર બાદ થનારી લોકસભાની ચૂંટણી વખતે કોઈ અસમંજસ ટાળવા ચૂંટણી પંચે લીધો નિર્ણય

મુંબઈ, તા. 22 (પીટીઆઇ) : મહારાષ્ટ્રમાં 24 માર્ચે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન થશે. તેમાં મતદાન બાદ મતદાતાઓના જમણા હાથના અંગુઠા પાસેની તર્જની આંગળીમાં સ્યાહી લગાવાશે જેથી ત્યાર બાદ લોકસભાની ચૂંટણીના મતદાન વખતે મતદાન બાદ મતદાતાઓની આંગળીમાં સ્યાહી લગાવવા સંબંધી કોઇ અસમંજસ ઊભી ન થાય, એમ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર જે એસ સહરિયાએ જણાવ્યું હતું. 
મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો માટે 11,18,23 અને 29 એપ્રિલ એમ ચાર તબક્કામાં મતદાન થવાનું છે. સ્થાનિક ચૂંટણીઓમાં પણ મતદાન બાદ મતદાતાઓના ડાબા હાથની તર્જનીમાં સ્યાહી લગાવવામાં આવે છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીનો સમયગાળો પણ સાથે જ હોવાથી સ્થાનિક ચૂંટણીઓમાં મતદાતાઓના જમણા હાથની તર્જની પર સ્યાહી લગાવાશે. જો કોઇ સ્થળે ફેર મતદાન થાય તો મતદાતાઓના ડાબા હાથની વચલી આંગળીમાં સ્યાહી લગાવવામાં આવે છે.
એપ્રિલમાં જ રાજ્યની 557 ગ્રામ પંચાયતો, 82 સ્થળે સરપંચની ખાલી જગ્યા માટે અને પંચાયત સમિતિની ખાલી પડેલી ચાર બેઠક માટે પેટા ચૂંટણી, ત્રણ પાલિકા અને વિવિધ જિલ્લા પરિષદોની ચૂંટણી થવાની છે. 
24 માર્ચે ગ્રામ પંચાયતની 557 બેઠકો માટે મતદાન થવાનું છે તેમાં જિલ્લાવાર જોઇએ તો થાણેમાં 3, રાયગડમાં 20, રત્નાગિરિમાં 11, સિંધુદૂર્ગમાં ચાર, નાશિકમાં 48, ધુળેમાં 18, જળગાંવમાં 12, અહમદનગરમાં 3, નંદુરબારમાં પાંચ, પુણેમાં 20, સોલાપુરમાં 8, સાતારામાં 44, કોલ્હાપુરમાં 3, ઔરંગાબાદમાં 3, ઓસ્માનાબાદમાં બે, પરભણીમાં એક, અમરાવતીમાં એક, અકોલામાં 14, વાશિમમાં 32, બુલઢાણામાં બે, નાગપુરમાં બે, વર્ધામાં 298, ચંદ્રપુરમાં એક અને ગડચિરોલીમાં બે બેઠકો માટે ચૂંટણી થશે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં સરપંચની ચૂંટણી થવાની છે, તેમાં થાણેમાં એક, રાયગડમાં 15, સિંધુદૂર્ગમાં 3, નાશિકમાં ચાર, ધુળેમાં એક, જળગાંવમાં બે, અહમદનગરમાં 4, નંદુરબારમાં એક, પુણેમાં 3, સોલાપુરમાં 3, સાતારામાં છ, સાંગલીમાં બે, કોલ્હાપુરમાં 8, બીડમાં એક, નાંદેડમાં છ, ઓસ્માનાબાદમાં બે, પરભણીમાં બે, અકોલામાં 3, યવતમાળમાં એક વાશિમમાં છ, બુલઢાણામાં બે અને નાગપુરમાં છ સરપંચની ચૂંટણી થશે.
Published on: Sat, 23 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer