મુંબઈના પોલીસ કમિશનર તમામ પોલીસ સ્ટેશનો સાથે

નિયમિત વીડિયો કૉન્ફરન્સિંગ કરશે
 
મુંબઈ, તા.22 : નવા પોલીસ કમિશનર સંજય બર્વે મુંબઈ પોલીસને ડિઝિટલ યુગમાં લઇ જવાના છે. સંજય બર્વેએ શહેરના તમામ પોલીસ સ્ટેશનોના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરોને વીડિયો કોન્ફરન્સિંગથી જોડવાનો નિર્ણય લીધો છે, જેનું મોનિટરિંગ કમિશનર અૉફિસના વિઝિટર્સ હૉલમાંથી થશે.
સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પર ધ્યાન નથી અપાતું અને વરિષ્ઠ અધિકારીઓ પાસે જવાની ફરજ પાડવામાં આવે છે એવી ફરિયાદો સિનિયર સિટિઝનો કરી રહ્યા છે. તેથી કમિશનરે આ નિર્ણય લીધો છે. કમિશનર અૉફિસમાં દર મંગળ અને ગુરુવારે સાંજે પાંચથી છ વાગ્યા દરમિયાન સિનિયર સિટિઝનો કમિશનરને મળે છે, આ સમયમાં કમિશનર આવા મુલાકાતી સિનિયર સિટિઝનોની નજર સામે જ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વાચતીત કરશે.
બર્વેએ જણાવ્યું હતું કે વિઝિટર્સ એરિયામાંથી તમામ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સિધી વાતચીત થઇ શકે એવી સિસ્ટમ ટૂંક સમયમાં તૈયાર થઇ જશે. આ સિસ્ટમથી જાણવા મળશે કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો લોકોના પ્રશ્નો વ્યાજબી હશે તો અમે સંબંધીત પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ફરિયાદીની નજર સામે જ જરૂરી વાતચીત કરીને જરૂરી સૂચના આપીશું. બર્વે મુંબઈના કમિશનર બન્યા એ દિવસે જ પોતાની ટીમને સૂચના આપી હતી કે લોકો મારા સુધી ન્યાયની અપેક્ષાએ આવે છે, તેમને નિરાશ ન કરવા.
પોતાના આવા અભિગમને પગલે બર્વેએ હવે વીડિયો કૉન્ફરન્સિંગ સિસ્ટમ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે અને દર મંગળ અને ગુરુવારે સાંજે તેઓ લગભગ સો માણસોની બેઠક વ્યવસ્થા ધરાવતા વિઝિટર્સ હૉલમાંથી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે સિધી વાતચીત કરશે. ટૂંકમાં મુંબઈના તમામ 94 પોલીસ સ્ટેશનોમાં લોકોને કોઇ અગવડ ન પડે અને પારદર્શી કામગીરી માટે કમિશનર વીડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમથી નજર રાખશે.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer