યેદીયુરપ્પાની ડાયરીઓની લોકપાલ દ્વારા તપાસ કરાવવા સરકારને કૉંગ્રેસનો પડકાર

યેદીયુરપ્પાની ડાયરીઓની લોકપાલ દ્વારા તપાસ કરાવવા સરકારને કૉંગ્રેસનો પડકાર
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 22 : કૉંગ્રેસે ન્યૂઝ મેગેઝિને પ્રસિદ્ધ કરેલી `યેદીયુરપ્પાની ડાયરીઓ'ની નવા નિયુક્ત લોકપાલ દ્વારા તપાસ કરાવવાનો મોદી સરકારને આજે પડકાર ફેંકયો હતો.
શુક્રવારે ન્યૂઝ મેગેઝિને પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ એલ.કે. અડવાણી, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સહિત ભાજપના નેતાઓને રૂપિયા 1800 કરોડ ચૂકવ્યા હતા. આ મેગેઝિને યેદીયુરપ્પા દ્વારા લખાયેલી નોંધો પણ પ્રસિદ્ધ કરી હતી.
નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતાં કૉંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાએ મેગેઝિનના આ અહેવાલ સંબંધમાં સરકારનો પ્રતિસાદ માગ્યો હતો.
`વડા પ્રધાને આની તપાસ માટે તેઓ તૈયાર છે કે નહીં તે જણાવવું જોઈએ. પ્રથમદર્શી રીતે વડા પ્રધાનથી માંડીને ભાજપના તમામ નેતાઓની તપાસનો આ કેસ બને છે. નવા લોકપાલ દ્વારા તપાસનો આ એક સચોટ કેસ બને છે' એમ સૂરજેવાલાએ જણાવ્યું હતું.
સૂરજેવાલાએ એવો દાવો કર્યો હતો કે તપાસ માટે આવકવેરા વિભાગે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીનો સંપર્ક સાધ્યો હતો પરંતુ કશું જ થયું નહોતું. અમે અહીંયા ભાજપની જેમ કાદવ ઉછાળવા આવ્યા નથી, અમે તો લોકોને આ બાબતની જાણ કરવા આવ્યા છીએ.
યેદીયુરપ્પા અને ભાજપના એક નેતા વચ્ચેની આ લાંચ સંબંધની કહેવાતી વાતચીતને વાંચતાં સૂરજેવાલાએ જણાવ્યું હતું કે બી.એસ. યેદીયુરપ્પાની સહી સાથેની આ ડાયરી આવકવેરા વિભાગ પાસે 2017થી છે. જો આમ હોય તો મોદી અને ભાજપ શા માટે તેની તપાસ કરાવતા નથી એવો સવાલ સૂરજેવાલાએ કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer