ગૌતમ ગંભીર ભાજપ વતી રમશે

ગૌતમ ગંભીર ભાજપ વતી રમશે
નવી દિલ્હીની બેઠક પરથી ચૂંટણી લડે એવી શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 22 : ભૂતપૂર્વ ક્રિકેટર અને પદ્મશ્રી ગૌતમ ગંભીર આજે સત્તાવાર રીતે ભાજપમાં સામેલ થઈ ગયો હતો અને આ સાથે દિલ્હી લોકસભાની 7 બેઠકોમાંથી એક બેઠક પર તેની લડવાની શક્યતા પ્રબળ બની છે.
ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન ગૌતમ ગંભીર આજે અહીં ભાજપના મુખ્યાલયમાં નાણાપ્રધાન અરુણ જેટલી અને કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદની હાજરીમાં ભાજપમાં જોડાયો હતો. ગંભીર 2011નો વિશ્વકપ અને 2007ના ટીટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતની જીતનો સૂત્રધાર રહ્યો હતો. તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે તેને પદ્મશ્રીનો એવૉર્ડ એનાયત કર્યો હતો. ગંભીર ત્યાર બાદ ભાજપપ્રમુખ અમિત શાહને મળ્યો હતો, જ્યાં ગંભીરનું ભાજપના ચૂંટણીપ્રતીક કમળવાળી ખેસ પહેરાવીને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
ભાજપમાં જોડાયા બાદ ગંભીરે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રભાવિત છું અને દેશની ભલાઈ માટે હું કામ કરીશ.
જેટલીએ ગંભીર ભાજપમાં જોડાવાની ઘટનાને મહત્ત્વપૂર્ણ બતાવતાં જણાવ્યું હતું કે ગંભીરનો દિલ્હીમાં જ ઉછેર થયો છે અને તેને ચૂંટણી લડાવવા અંગે પક્ષ યોગ્ય સમયે નિર્ણય લેશે.
ભાજપનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગંભીરને નવી દિલ્હીની લોકસભાની બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવે એવી શક્યતા છે, જ્યાં હમણાં મીનાક્ષી લેખી સાંસદ છે. જોકે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
Published on: Sat, 23 Mar 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer