કાશ્મીરમાં યાસીન મલિકના જેકેએલએફ ઉપર પ્રતિબંધ

કાશ્મીરમાં યાસીન મલિકના જેકેએલએફ ઉપર પ્રતિબંધ
અલગતાવાદીઓ ઉપર સકંજો કસાયો: કૅબિનેટની સુરક્ષા સમિતિનો નિર્ણય

નવી દિલ્હી, તા. 22 : અલગતાવાદીઓ ઉપર જબરદસ્ત ધોંસ બોલાવતા આજે કેન્દ્રની મોદી સરકારે યાસીન મલિકનાં જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)ને આતંકવાદ વિરોધી કાયદા  હેઠળ પ્રતિબંધિત સંગઠન જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલાનાં આઠ દિવસ બાદ 22મી ફેબ્રુઆરીનાં રોજ મલિકની ધરપકડ કરી લેવામાં આવી હતી.
જેકેએલએફ ઉપર આતંકી હિલચાલને સમર્થન કરવાનો આરોપ છે. જેકેએલએફને સૌથી કમજોર અલગતાવાદી સંગઠન ગણવામાં આવે છે. જો કે તેને આતંરરાષ્ટ્રીય સ્તરે માન્યતા હતી. તેને પ્રતિબંધિત કરવાની પ્રક્રિયા છેલ્લા ત્રણ માસથી ચાલતી હતી. આ પહેલા જમાત-એ-ઈસ્લામી ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. હવે જેકેએલએફ ઉપર રોકને પગલે સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે અલગતાવાદ સામે સરકાર આકરી નીતિને લાગુ કરી રહી છે. ઈડી પણ છેલ્લા કેટલાક સમયથી અલગતાવાદીઓ ઉપર શ્રેણીબદ્ધ દરોડા સહિતની કાર્યવાહી કરી રહ્યું છે. 
આજે કેબિનેટની સુરક્ષા સમિતિની બેઠકમાં જેકેએલએફ ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ આજે આ વિશે જાણકારી આપી હતી. તેમણે આગળ કહ્યું હતું કે યાસીન મલિકનાં નેતૃત્વવાળા જેકેએલએફે કાશ્મીરમાં અલગાવવાદને હવા આપી હતી અને 1988થી તે હિંસામાં આગળ રહ્યું છે. તેની સામે અત્યાર સુધીમાં 37 એફઆઈઆર પણ નોંધાઈ છે. હવાઈદળનાં જવાનની હત્યાનાં એક કેસ સહિત તેની સામે સીબીઆઈમાં પણ બે કેસ છે. આ ઉપરાંત એનઆઈએ પણ તેની સામે તપાસ કરે છે.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer