પ્રવીણ છેડાની ભાજપમાં ઘરવાપસી

પ્રવીણ છેડાની ભાજપમાં ઘરવાપસી
ઈશાન મુંબઈની ટિકિટ મળે એવી શક્યતા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : આજે વાનખેડે સ્ટેડિયમમાં ગરવારે ક્લબ હાઉસમાં કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નગરસેવક પ્રવીણ છેડા તેમના ટેકેદારો સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, શિક્ષણપ્રધાન વિનોદ તાવડે, હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતા, શહેર એકમના વડા આશિષ શેલાર અને મિનિસ્ટર ગિરીશ મહાજનની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. પ્રવીણ છેડાએ 7 વર્ષ અગાઉ પાલિકાની ટિકિટ ન મળતાં ભાજપ સાથે છેડો ફાડયો હતો. પ્રવીણ છેડા ત્રણ વાર નગરસેવક રહી ચૂક્યા છે. પાલિકાની ચૂંટણીમાં ભાજપના પરાગ શાહે તેમને પરાજિત કર્યા હતા. પ્રકાશભાઈએ સમારંભમાં પ્રવીણ છેડાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો.
પ્રવીણભાઈએ કહ્યું હતું કે કૉંગ્રેસે મને ઉત્તર મુંબઈની સીટ અૉફર કરી હતી, પરંતુ મેં એ અૉફરને ઠુકરાવીને ભાજપમાં ઘરવાપસી કરવાનું નક્કી કર્યું હતું. રાજકીય વર્તુળો કહે છે કે પ્રવીણ છેડા ઈશાન મુંબઈમાંથી લડવા આતુર છે.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે બીજા પક્ષોના સારા નેતાઓ-કાર્યકરો ભાજપમાં જોડાયા છે એ જ સિદ્ધ કરે છે કે તેમને વડા પ્રધાન મોદીની ગરીબ અને ખેડૂત કલ્યાણની યોજનામાં વિશ્વાસ છે. ગયા મહિને પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને પગલે મોદી સરકાર વિશ્વમાં પાકિસ્તાનને એકલું પાડવામાં સફળ થયું છે. અમુક લોકો સર્જિકલ સ્ટ્રાઇક વિશે સવાલ કરે છે અને અમુક લોકો પાકિસ્તાનની ભાષા બોલે છે. મને લાગે છે કે રાષ્ટ્રપ્રેમને રાજકીય રંગ અપાઈ રહ્યો છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે રાજ્યસભાના સભ્ય સંજય કાકડે ભાજપમાં છે. તેમને અમુક કારણસર અસંતોષ હતો, પરંતુ મારી મિટિંગ બાદ તેમની કડવાશ દૂર થઈ છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસનાં ઉપપ્રમુખ ભારતી પવાર આજે ભાજપમાં જોડાયાં હતાં. ભારતી પવાર 2014માં લોકસભામાં ભાજપના હરિશ્ચંદ્ર ચવ્હાણ સામે હારી ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં વિકાસકાર્યોથી પ્રભાવિત થઈને હું ભાજપમાં જોડાઈ છું.
Published on: Sat, 23 Mar 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer