ભાજપની બીજી યાદી : પુણે, બારામતી સહિત છ ઉમેદવારોની જાહેરાત

મુંબઈ, તા. 23 : લોકસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર કરવામાં આવી હોઈ તેમાં જળગાંવ, સોલાપુર, બારામતી, દિંડોરી, નાંદેડ અને પુણે - એમ છ મતદારસંઘોના ઉમેદવારોનાં નામ ઘોષિત કરાયાં છે. પુણેના વર્તમાન સાંસદ અનીલ શિરોળેના સ્થાને પાલક પ્રધાન ગિરીશ બાપટને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે બારામતીમાં દૌંડના વિધાનસભ્ય રાહુલ કુલની પત્ની કાંચન કુલને ઉમેદવાર જાહેર કરાયાં છે.
રાહુલ કુલના કૉંગ્રેસી નેતા હર્ષવર્ધન પાટીલ અને વિધાનસભ્ય સંગ્રામ પોપટે સાથે સારા સંબંધો હોવાની ચર્ચા થતી હોઈ તેને કારણે તેમને આ મતદાર સંઘમાં ફાયદો થઈ શકે છે. વધુમાં રાહુલ કુલ પોતે દૌંડના વિધાનસભ્ય છે અને આ કારણે જ તેમનાં પત્નીને ભાજપે ટિકિટ ફાળવી હોવાનું કહેવાય છે.
પુણેમાં અનીલ શિરોળેનું પત્તું કાપી તેમને સ્થાને પાલક પ્રધાન ગીરીશ બાપટને ટિકિટ આપવામાં આવી છે. બાપટ છેલ્લાં અનેક વર્ષથી તેને માટે પ્રયત્નશીલ હતા. દરમિયાન ભાજપે આ પહેલાં જ 16 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer